વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં આજે, 7 ઓક્ટોબરે, ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં ‘સેવા જ્યોત યાત્રા’ કાઢવામાં આવશે.

સવારે 10 વાગ્યે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’ માટે સામૂહિક સંકલ્પ લેવડાવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. અન્ય જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો કાર્યક્રમમાં જોડાશે.

સભા બાદ સેવા જ્યોત યાત્રાનો પ્રારંભ

‘વિકસિત ભારત સંકલ્પ સભા’ પૂર્ણ થયા બાદ વડાપ્રધાનના સંબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લાઓ અને મહાનગરોના નિર્ધારિત સ્થળોએ સ્થાનિક આગેવાનો દ્વારા ‘સેવા જ્યોતિ’ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ કાર્યક્રમોનો ઉદ્દેશ વડાપ્રધાનના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના જાહેર જીવનની 25 વર્ષની સફર નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. વડાપ્રધાનના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને દેશવ્યાપી સ્તરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય સામેલ છે.

વડનગરમાં યાત્રાનું સમાપન

17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ યાત્રા’નું 7 ઓક્ટોબરે વડનગર અને વારાણસીમાં એકસાથે સમાપન થવાનું છે. વડનગરમાં ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે સમાપન કાર્યક્રમ યોજાશે.

વડનગરમાં સાંજે 4 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને યાત્રાના પ્રભારી વી.ડી. શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

‘સેવા સંકલ્પ અભિયાન’ દરમિયાન રાજ્યમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌ-સેવા અને વૃદ્ધાશ્રમોમાં સેવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. યુવાનોની ભાગીદારીથી યોજાતી આ પ્રવૃત્તિઓને અભિયાનનો મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે.