ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સરકાર અને બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને સમાધાનનો માર્ગ ખુલ્યો છે. બેઠકમાં સરકારે ભાડા સંબંધિત વિવાદોના નિર્ણય માટેની ન્યાયિક સત્તાઓ અદાલતો પાસે જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ હાલ પૂરતું વિધેયક અમલમાં નહીં આવે અને તેમાં જરૂરી સુધારા કરવા માટે વકીલ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે રાજ્યભરના વકીલો ભાડા વિધેયકની કેટલીક જોગવાઈઓના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. વકીલોનો મુખ્ય વાંધો એ હતો કે મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદોના નિકાલની સત્તા સિવિલ કોર્ટ અથવા સ્મોલ કોઝ કોર્ટમાંથી હટાવીને વહીવટી અથવા રેવન્યુ તંત્રને આપવામાં આવી શકે છે. વકીલ સંગઠનોના મતે, આવી વ્યવસ્થાથી ન્યાયતંત્રની ભૂમિકા અને નાગરિકોના કાનૂની હકો પર અસર પડી શકે છે.
વિધેયકમાં કયા મુદ્દે થઈ સમજૂતી?
બેઠકમાં સરકારે સ્પષ્ટતા કરી કે ભાડા વિવાદો અંગેની ન્યાયિક સત્તા અદાલતો પાસે જ રહેશે. વહીવટી અધિકારીઓને ન્યાયિક સત્તા સોંપવા સામે વકીલોએ વ્યક્ત કરેલી ચિંતાઓને ધ્યાનમાં લઈને વિધેયકની સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. સરકાર તરફથી એવું પણ જણાવાયું છે કે કાયદાનું અંતિમ સ્વરૂપ નક્કી કરતા પહેલાં બાર કાઉન્સિલના પ્રતિનિધિઓની ભલામણો પર વિચાર થશે.
ભાડા વિધેયકને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જ તેનો અમલ થઈ શકે છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, સરકાર તરફથી વિધેયકને હાલ આગળ ન વધારવાની અને જૂના કાયદાની ન્યાયિક વ્યવસ્થાને જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે.
પાંચ સભ્યોની સમિતિ કરશે કાયદાકીય સમીક્ષા
વિધેયકમાં સુધારા માટે બાર કાઉન્સિલના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ બનાવવામાં આવશે. આ સમિતિ કાયદા સચિવ સાથે બેઠકો કરશે અને વિધેયકની જોગવાઈઓની કાયદાકીય તથા વ્યવહારુ દૃષ્ટિએ સમીક્ષા કરશે. સમિતિની ચર્ચા અને ભલામણોના આધારે સુધારેલા ડ્રાફ્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી. ડી. પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે સરકાર સાથે વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહ્યું હતું અને આગામી 10થી 15 દિવસમાં આ મુદ્દે સંતોષકારક ઉકેલ આવવાની આશા છે. તેમણે કહ્યું હતું કે ભાડા વિવાદો અંગેની જ્યુડિશિયલ પાવર્સ ફરી અદાલતો પાસે જાળવવામાં આવશે અને હાલ વિધેયક લાગુ કરવામાં નહીં આવે.
સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન અને સિટી સિવિલ બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં પોતાના વાંધા રજૂ કર્યા હતા. બંને સંગઠનો તરફથી જણાવાયું હતું કે જૂના કાયદામાં રહેલી ન્યાયિક સત્તાઓ અકબંધ રાખીને જ સુધારા થવા જોઈએ. હવે વિવિધ વકીલ સંગઠનો પોતાની આંતરિક બેઠકમાં વિરોધ સમેટવા અંગે નિર્ણય કરશે.
