ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદની ઘટને કારણે અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ 22% નોંધાઈ છે. પોરબંદરમાં સામાન્ય કરતાં 60% અને દેવભૂમિ દ્વારકામાં 72% ઓછો વરસાદ પડ્યો છે. જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

કચ્છમાં 20 ડૅમમાંથી માત્ર એક ડૅમ સંપૂર્ણ ભરાયો છે. સૌરાષ્ટ્રમાં 141 ડૅમમાંથી 18 ડૅમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ પણ હજુ સંપૂર્ણ ભરાયો નથી.

રાજ્યના કુલ 207 ડૅમમાંથી 32 ડૅમ ભરાયા છે અને તેમાં હાલમાં કુલ 82 ટકા પાણીનો જથ્થો છે. IIT ગાંધીનગરના દુષ્કાળ મૉનિટરિંગ અનુસાર ગુજરાત સહિત દેશના 51% વિસ્તારોમાં ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ છે.