ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતીવાડીના વીજ પુરવઠામાં વિક્ષેપની ફરિયાદો ઊઠી છે. વેપારી સંગઠનોએ પણ વીજળી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સાંજથી રાત સુધીની વધતી માંગને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યના અધિકારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ વધારાની વીજળીની માગ કરી હતી; મંત્રીના જણાવ્યા મુજબ આશરે 1,000 મેગાવૉટ આપવાની ખાતરી મળી છે. વધારાનો પુરવઠો શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે. રાજ્યનો પ્રયાસ રાત્રિના વીજકાપ ટાળવાનો છે.
ઑક્ટોબરમાં માંગ કેમ વધે છે?
ચોમાસું પૂરું થયા પછી વરસાદ ઓછો પડ્યો હોય તો ખેડૂતોને ખરીફ પાકને પિયત આપવા વધુ સમય સુધી મોટરપંપ ચલાવવા પડે છે. આ જ ગાળામાં કેટલાક વિસ્તારોમાં રવિ પાકનું વાવેતર શરૂ થાય છે. પાણીનાં તળ નીચાં રહેતાં પિયતની જરૂરિયાત વધે છે, એમ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર મહિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમના મતે અલ નીનોને કારણે ઓછો વરસાદ આ વર્ષની વધેલી માંગનું એક મોટું કારણ છે.
ગરમી ચાલુ રહેતાં ઘરો અને કાર્યસ્થળોમાં પંખા, કૂલર તથા એર કન્ડિશનરનો વપરાશ પણ વધે છે. બીજી તરફ નવરાત્રી અને દિવાળીના સમયગાળામાં ઉદ્યોગોનું ઉત્પાદન વધતાં વીજ વપરાશમાં વધારો થતો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. સરકારની અખબારી યાદી અનુસાર સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં માંગ પાછલાં વર્ષોની સરખામણીએ 12 ટકા, એટલે આશરે 4,000 મેગાવૉટ વધી હતી.
સ્થાપિત ક્ષમતા હોવા છતાં તંગી
ગુજરાતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા આશરે 80,000 મેગાવૉટ છે. જોકે સ્થાપિત ક્ષમતા એટલે જરૂર પડે તે સમયે એટલી વીજળી ઉપલબ્ધ જ હોય એવું નથી. પવન અને સૂર્યપ્રકાશ પર આધારિત ઉત્પાદન હવામાન અને સમય પ્રમાણે બદલાય છે. ઑક્ટોબરમાં પવન નબળો પડતાં પવનચક્કીઓનું ઉત્પાદન ઘટે છે. દિવસો ટૂંકા થતાં સૌર ઊર્જા મળવાનો સમય પણ ઓછો થાય છે.
સૌર વીજળીનું ઉત્પાદન સામાન્ય રીતે સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન વધુ હોય છે, જ્યારે સાંજના પીક સમયે સૂર્યાસ્ત પછી તે મળતી નથી. વીજળીનો મોટા પાયે સંગ્રહ કરવા પૂરતી બૅટરી ક્ષમતા ન હોવાથી દિવસના વધારાના ઉત્પાદનને રાત્રિની માંગ માટે વાપરવું મુશ્કેલ બને છે. આ સમયગાળામાં પવન ઊર્જાનું ઉત્પાદન પણ ઓછું રહે છે.
સરકારે જણાવ્યું છે કે ઓછા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ઘટી અને જળવિદ્યુત ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. મંત્રીએ ઉદ્યોગોને સાંજના ચારથી પાંચ કલાક વીજ વપરાશ ટાળવા અપીલ કરી, જેથી ઘરો અને કાર્યસ્થળોને વીજળી મળી રહે. બીજી તરફ કૉંગ્રેસે સરકારી વીજમથકોમાં ઉત્પાદન ઘટ્યાનો આક્ષેપ કર્યો છે અને આ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. સરકારનું કહેવું છે કે સ્થિતિનો સામનો કરવા આયોજન થઈ રહ્યું છે.
