5 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન, સરકારી રજૂઆતો, જનજાગૃતિ કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાવાની છે. અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં વકીલો ભાડા કરાર વિધેયકના વિરોધમાં કોર્ટની કામગીરીથી દૂર રહેશે, જ્યારે બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા ભદ્ર કોર્ટથી ઇન્કમટેક્સ ચાર રસ્તા સુધી બાઇક રેલી કાઢવામાં આવશે. શહેરના મહેસૂલ વિભાગના કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ માસ CL હેઠળ વિરોધ નોંધાવશે. તેમની વિવિધ પડતર માંગણીઓ અને કથિત શોષણના મુદ્દે સૂત્રોચ્ચાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બાળક તસ્કરીના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
ગુજરાત યુનિવર્સિટીનો એલિસબ્રિજ સાઉથ ઝોન યુથ ફેસ્ટિવલ પણ આજે યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
સુરતથી રાજકોટ સુધીના કાર્યક્રમો
સુરતમાં વિવિધ કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓ માટે વ્યસનમુક્તિ, નશામુક્તિ, માનસિક સ્વાસ્થ્ય, જીવન ટૂંકાવવાની ઘટનાઓના નિવારણ અને રાષ્ટ્રભાવના જેવા વિષયો પર સેમિનાર યોજાશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયક વિદ્યાર્થીઓને સંબોધશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કથિત નાણાકીય ગેરરીતિ અને મહિલા સરપંચને કથિત રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો અંગે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે.
રાજકોટમાં ભાડા કરાર વિધેયકના વિરોધમાં વકીલ મંડળો કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવશે. બોટાદમાં પણ જિલ્લા વકીલ મંડળે એક દિવસ માટે કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ખેડૂતો અને કર્મચારીઓના પ્રશ્નો પર રજૂઆતો
બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘ પાલનપુરના જોડનાપુરા ખાતે કિસાન અધિકાર મહારેલી યોજશે. ખેડૂતો સભા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપશે. જૂનાગઢમાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના અંદાજિત 150 કર્મચારીઓ 14 જેટલી પડતર માંગણીઓ સાથે એક દિવસની માસ CL પર રહેશે.
પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક 27 રહેણાંક મિલકતો પર સવારે 10 વાગ્યે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાવાની છે. દેવભૂમિ દ્વારકાના ભોગાતથી પોરબંદરના રાણાવાવ સુધીની 220 કેવી જેટકો વીજ લાઇન સામે આઠ ગામોના ખેડૂતો વાંધો નોંધાવશે. ખેડૂતોની સંમતિપત્રોમાં કથિત બોગસ સહીઓ અને યોગ્ય વળતરની માંગ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા બાઈક યાત્રામાં જોડાશે. જલોયા ગામે સવારે 11 વાગ્યે સભા, બપોરે 12 વાગ્યે વૃક્ષારોપણ અને અન્ય કાર્યક્રમો બાદ બપોરે 1 વાગ્યે યાત્રા ગાંધીનગર તરફ આગળ વધશે.
સ્થાનિક સમસ્યાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
નવસારી જિલ્લાના બીલીમોરામાં સોમનાથ તળાવ સહિતની તળાવ યોજનાઓ 10 વર્ષથી વધુ સમય પછી પણ પૂર્ણ ન થવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ છે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના પટમાં બનાવાયેલા આડબંધ પર હજુ ગેટ ન લગાડાતા ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડ પોલીસે એક વર્ષમાં NDPS એક્ટ હેઠળ 50થી વધુ કેસ નોંધ્યા હોવાનો અને ₹2.25 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યાનો દાવો કર્યો છે. તાપીના નિઝર વિસ્તારમાં પોલીસ વયોવૃદ્ધો, મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે તેમના ઘરે જઈ માર્ગદર્શન આપી રહી છે.
જામનગર અને બોટાદમાં નવરાત્રી પહેલાં માટીના ગરબા તૈયાર થઈ રહ્યા છે. જામનગરમાં સ્ટોન-જરી, આભલા અને રંગોથી સજાવવામાં આવેલા કચ્છી ભાતવાળા ગરબા તૈયાર થઈ રહ્યા છે. ભરૂચમાં એક મહિલા હાથથી બનાવેલી ચણિયાચોળીનું વેચાણ કરીને નવરાત્રી દરમિયાન આવક મેળવી રહી છે. મોરબીના ટંકારા તાલુકાના હડમતિયા ગામે આપા પાલણપીરનો મેળો પણ યોજાઈ રહ્યો છે.
સાબરકાંઠામાં સાબરકાંઠા બેંકના ચેરમેન સામે કોર્ટ કાર્યવાહી બાદ ડિરેક્ટર સહિતના સહકારી આગેવાનો ધરણાં કરશે. મહીસાગરમાં TASP આયોજનમાંથી કેટલાક આદિવાસી ગામોને ગ્રાન્ટમાં સામેલ ન કરવાના આક્ષેપ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાશે. પાટણના ચાણસ્મામાં શંકરસિંહ વાઘેલાના કથિત વિવાદિત નિવેદનના વિરોધમાં પાટીદાર સમાજ દ્વારા વિરોધ કાર્યક્રમ જાહેર કરાયો છે.
