ગુજરાતમાં ચોમાસાની વિદાય આગળ વધતાં વરસાદની પ્રવૃત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ ભારે અથવા મધ્યમ વરસાદની શક્યતા દેખાતી નથી. જોકે આજે અને આવતીકાલે કેટલીક જગ્યાએ છાંટા અથવા હળવા ઝાપટાં પડી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ વરસાદ નોંધાયો હતો. કોઈ પણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ છાંટા પડ્યા હતા, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું.

ચોમાસાની વિદાયની સ્થિતિ

હાલ ચોમાસાની વિદાયની રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. આ સ્થિતિને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે.

દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. તે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું હતું અને ઓડિશાના રાયગઢથી 60 કિલોમીટર તથા આંધ્ર પ્રદેશના કલિંગાપટનમથી 90 કિલોમીટર દૂર હતું. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ નબળી પડી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.