ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાના તબક્કામાં પહોંચતાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેના કારણે લોકોને દિવસ દરમિયાન ગરમીનો વધુ અનુભવ થઈ શકે છે.
સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી રાજ્યમાં આશરે 6 ટકા વરસાદી ઘટ નોંધાઈ છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસર વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં 28 અને 29 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા
28 અને 29 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, દક્ષિણ ગુજરાત, કચ્છ તથા મોરબી, જામનગર અને દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી સાત દિવસ માટે ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
