ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓ સામે રાજ્યભરના વકીલોની અચોક્કસ મુદતની હડતાળ 6 ઓક્ટોબર, 2026ના રોજ પણ ચાલુ રહી હતી. વકીલ સંગઠનોનું કહેવું છે કે માત્ર મૌખિક ખાતરી પૂરતી નથી; સરકાર તરફથી સ્પષ્ટ અને સત્તાવાર લેખિત બાંહેધરી મળ્યા બાદ જ હડતાળ અંગે આગળનો નિર્ણય લેવાશે.
અમદાવાદમાં બાર કાઉન્સિલની હંગામી બેઠક
અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હંગામી બેઠકમાં હડતાળ ચાલુ રાખવી કે તેના સ્વરૂપમાં ફેરફાર કરવો તે અંગે ચર્ચા ચાલી રહી છે. બેઠકમાં સભ્યોના અલગ-અલગ અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. 12થી વધુ સભ્યો દ્વારા પોતાના વિચારો રજૂ કરવાના બાકી હોવાનું જણાવાયું છે. તમામ સભ્યોની ચર્ચા બાદ જ આગળની રણનીતિ નક્કી થવાની શક્યતા છે.
સરકાર તરફથી હજી સુધી લેખિત બાંહેધરી ન મળવી બેઠકનો મુખ્ય મુદ્દો રહ્યો છે. સાંજે નાયબ મુખ્યમંત્રી સાથે સંભવિત બેઠક અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાં વકીલ પ્રતિનિધિઓ પોતાની માંગણીઓ અને સમાધાન માટેની શરતો રજૂ કરી શકે છે.
વિધેયકની કઈ જોગવાઈ સામે વાંધો?
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા કોર્ટમાંથી વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ સામે છે. અગાઉ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં સરકાર તરફથી વિધેયક આગળ નહીં વધારવાની અને રાજ્યપાલને સહી ન કરવા વિનંતી કરવાની ખાતરી આપી હતી. જોકે, વકીલ સંગઠનો હવે આ ખાતરી લેખિત સ્વરૂપે માંગે છે.
અમદાવાદ સેશન્સ કોર્ટની બહાર વકીલોએ કાયદાની નકલનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. મોરબીમાં બાર એસોસિએશનના વકીલોએ ઢોલના તાલે ગરબા રમીને વિરોધ વ્યક્ત કર્યો. જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર લેખિત સ્પષ્ટતા નહીં મળે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવાની વકીલોની ભૂમિકા છે.
