ગુજરાત સરકારે 23 ઓક્ટોબરે 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશ જાહેર કર્યા. આ ફેરફારમાં મહેસાણા, આણંદ અને વાવ-થરાદના કલેક્ટર બદલાયા છે. જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને રાજ્યના વિવિધ વિભાગોમાં પણ નવી જવાબદારીઓ સોંપાઈ છે.

મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિને ગાંધીનગરમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. ગૃહ વિભાગના અધિક સચિવ હર્ષિત ગોસાવી હવે મહેસાણાના કલેક્ટર બનશે. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIRના વિશેષ પ્રોજેક્ટ્સના CEO તરીકે જવાબદારી સોંપાઈ છે. કચ્છના DDO ઉત્સવ ગૌતમ આણંદના નવા કલેક્ટર બનશે.

બનાસકાંઠાના DDO એમ.જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. તેમની જગ્યાએ તાપીના DDO રામ નિવાસ બુગલિયા બનાસકાંઠાના DDO બનશે. અન્ય ફેરફારોમાં વલસાડના DDO અતિરાગ ચપલોટને કચ્છના DDO અને મહિસાગરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીણાને વલસાડના DDO બનાવાયાં છે. તાપીના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને અમરેલીના DDO તરીકે નિયુક્ત કરાયા છે.

શિક્ષણ વિભાગના અધિક સચિવ જી.ટી. પંડ્યાને માહિતી નિયામક બનાવાયા છે. આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને રાહત કમિશનરનો વધારાનો હવાલો અપાયો છે. ઉત્તર ગુજરાત વિજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણાને iNDEXTbના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે.