રેલવે ટ્રૅક ઓળંગતી વખતે થયેલા અકસ્માતમાં મોત થાય તો માત્ર મુસાફરે બેદરકારીથી પાટા ઓળંગ્યા હતા એવું કહીને તેના પરિવારને વળતર નકારી શકાય નહીં, એવું ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે. જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની અદાલતે રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યૂનલનો અગાઉનો હુકમ રદ કરીને મૃતકના પરિવારજનોને ₹8 લાખ વળતર અને તેના પર વાર્ષિક 9 ટકા સાદું વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વ્યાજની ગણતરી ટ્રિબ્યૂનલમાં અરજી દાખલ થઈ ત્યારથી વાસ્તવિક ચુકવણી થાય ત્યાં સુધી કરવાની રહેશે.

આ ચુકાદો ‘રાજબહાદુર અને અન્ય વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા’ કેસમાં આવ્યો છે. પરિવારજનોએ વળતર માટે કરેલી અરજી ટ્રિબ્યૂનલે 7 નવેમ્બર, 2024ના રોજ ફગાવી હતી. ત્યારબાદ તેમણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

ટ્રેનમાંથી પડ્યા બાદ બીજી ટ્રેનની અડફેટે આવ્યા

ચુકાદામાં નોંધાયેલી વિગતો પ્રમાણે, યુવક 18 જુલાઈ, 2023ના રોજ કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યા હતા. જનરલ કોચમાં ભારે ભીડ હતી. ટ્રેનને અચાનક ઝટકો લાગતાં તેઓ નીચે પડ્યા અને ટ્રેન સાથે ઘસડાવાથી ગંભીર રીતે ઘાયલ થયા.

ત્યારબાદ તેઓ પાટાની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવ્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. પરિવારજનોએ ₹8 લાખ વળતર માગ્યું હતું, પરંતુ ટ્રિબ્યૂનલે પાટા ઓળંગવાના આધારે અરજી નામંજૂર કરી હતી.

માન્ય ટિકિટને અદાલતે ગણાવી મહત્ત્વની

હાઇકોર્ટે નોંધ્યું કે ઇન્ક્વેસ્ટ પંચનામા દરમિયાન મૃતક પાસેથી કાનપુરથી અમદાવાદની માન્ય ટિકિટ મળી હતી. તેથી રેલવે અધિનિયમ, 1989ની કલમ 2(29) હેઠળ તેઓ ‘બોનાફાઇડ પૅસેન્જર’ એટલે કે માન્ય મુસાફર હતા. અદાલતે રેલવે અકસ્માત અને ‘અનટુવર્ડ ઇન્સિડન્ટ્સ’ માટેના વળતર સંબંધિત 2016ના સુધારા નિયમોનો ઉલ્લેખ કરીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.

ચુકાદા અનુસાર, ટ્રેનમાંથી અકસ્માતે પડી જવા જેવી ઘટના ‘અનટુવર્ડ ઇન્સિડન્ટ’માં આવે છે અને તેમાં રેલવેની જવાબદારી ‘નો-ફૉલ્ટ લાયબિલિટી’ની હોય છે. ટ્રૅક ઓળંગવાની સંભવિત બેદરકારીને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા સમાન ગણાવીને રેલવે અધિનિયમની કલમ 124-એ હેઠળ વળતર ટાળી શકાય નહીં, એમ અદાલતે સ્પષ્ટ કર્યું.

અદાલતે એ પણ નોંધ્યું કે વ્યસ્ત સ્ટેશનો અને યાર્ડમાં, ખાસ કરીને ફૂટ ઓવરબ્રિજ ન હોય અથવા સ્થળે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં, લોકો પાટા ઓળંગતા હોય છે. મુસાફરની આવી બેદરકારીને આધારે રેલવે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. રેલવે તરફથી કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલે ચુકાદાનું સન્માન કરવાની વાત કરી હતી; તેને ઉપલી અદાલતમાં પડકારવો કે નહીં તે અંગે રેલવે વહીવટી તંત્ર નિર્ણય કરશે.