નવરાત્રિ દરમિયાન સાયલન્ટ ઝોનમાં લાઉડસ્પીકર અને ડીજેના અવાજ અંગેની અરજીની સુનાવણી વખતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ત્રણ દિવસમાં અહેવાલ માગ્યો છે. કોર્ટે ખાસ કરીને હોસ્પિટલની નજીક લાઉડસ્પીકર ધીમા અવાજે પણ ન વગાડવા ટકોર કરી હતી.
સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરપ્રાઇઝ તપાસ દરમિયાન મહત્તમ 80 ડેસિબલ અવાજ નોંધાયો હતો. જ્યાં ડીજે કે લાઉડસ્પીકરનો અવાજ વધુ જણાયો, ત્યાં પોલીસની મદદથી ગરબા બંધ કરાવાયા હતા. વેરાવળમાં થયેલી ફરિયાદ અંગે પણ તપાસ કરાઈ હતી. સરકારના જણાવ્યા પ્રમાણે, મમતા હોસ્પિટલ નજીક 58થી 60 ડેસિબલ અવાજ નોંધાયો હતો.
ફરિયાદ મળે તો તાત્કાલિક તપાસ
અરજદારે સરકારની રજૂઆત સામે દલીલ કરી હતી કે ગરબા રાત્રે 12 વાગ્યે નહીં, પરંતુ 2 વાગ્યા સુધી ચાલે છે. સરકારે જવાબમાં કહ્યું હતું કે શેરી ગરબામાં લાઉડસ્પીકરનો ઉપયોગ થતો નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કોર્ટમાં જણાવ્યું હતું કે અવાજનું પ્રદૂષણ ન હોવાનો દાવો તે કરતું નથી, પરંતુ અવાજ નિર્ધારિત મર્યાદા કરતાં થોડો વધારે હોઈ શકે છે.
કોર્ટે અરજદારને સ્થળે તપાસ કરવા અને વધુ અવાજ જણાય તો સરકાર તથા GPCBને તરત જાણ કરવા કહ્યું હતું. આવી ફરિયાદ મળતાં જ GPCBએ સ્થળ પર પહોંચીને પગલાં લેવાના રહેશે, એવી સૂચના પણ અપાઈ. કોર્ટે લાઉડસ્પીકરની જગ્યા બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સ્થળ પર અવાજનું સ્તર માપવા કહ્યું.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે અવાજ એટલો જ રાખવો જોઈએ કે લોકો તેને સહન કરી શકે. હવે રાજ્ય સરકારે ત્રણ દિવસમાં માગેલો અહેવાલ રજૂ કરવાનો રહેશે.
