નવરાત્રિ દરમિયાન સાયલન્ટ ઝોનમાં ડીજે વગાડવાના અને જાહેરનામાનો ભંગ થવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સરપ્રાઇઝ ચેકિંગ કરવા તથા ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરાવવા સૂચવ્યું છે. વેરાવળને લગતી અરજીની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું કે આ સમસ્યા માત્ર એક સ્થળ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યને અસર કરે છે અને નવરાત્રિના નવ દિવસમાં વધુ ગંભીર બની શકે છે.
ખંડપીઠે સરકારને તમામ સંબંધિત સત્તાઓ પાસેથી માહિતી મેળવી, અત્યાર સુધી શું પગલાં લેવાયાં છે તેનો વિગતવાર જવાબ રજૂ કરવા કહ્યું હતું. રાજ્ય સરકારે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. સુનાવણીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તરફથી પણ અહેવાલ રજૂ થયો હતો.
અરજીમાં સાયલન્ટ ઝોનમાં ડીજે વગાડીને જાહેરનામાનો ભંગ થતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન GPCB તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાત્રિના સમયે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી નથી. જાહેર સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પોલીસની પૂર્વમંજૂરી જરૂરી હોવાનું પણ રજૂ કરાયું હતું. ખાનગી બેન્ક્વેટ હોલ કે પાર્ટી પ્લોટ અંગેની રજૂઆતમાં નિર્ધારિત ધ્વનિ મર્યાદાનું પાલન કરવાની વાત કહેવામાં આવી હતી.
રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે 75 ટકા કિસ્સાઓમાં રાત્રે 12 વાગ્યા પહેલાં અવાજ બંધ થાય તે માટે નિરીક્ષણ કરવામાં આવે છે. આ દાવા અંગે સરકારે વધુ વિગતો આપવાની છે. સુનાવણી દરમિયાન અરજદાર સાથે જરૂરી વાતચીત કરવા માટે અદાલતે થોડી મિનિટો માટે કોર્ટનું માઇક પણ બંધ કરાવ્યું હતું.
