ગુજરાત હાઇકોર્ટે સિનિયર એડવોકેટ આઇ. એચ. સૈયદના કોર્ટમાં થયેલા વર્તન અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. 3 નવેમ્બરે જામીન અરજીની સુનાવણી દરમિયાન બનેલી ઘટનાના સંદર્ભમાં જસ્ટિસ એચ.ડી. સુથારે તે દિવસની કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું રેકોર્ડિંગ અને તેની ટ્રાન્સક્રિપ્ટ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલવાનો આદેશ આપ્યો છે. ભવિષ્યમાં આવું વર્તન ફરી થશે તો કડક પગલાં લેવાઈ શકે તેવી પણ કોર્ટે ચેતવણી આપી છે.

લેખિત રજૂઆતના સૂચન પછી થયો વિવાદ

દિવાળી વેકેશન નજીક હોવાથી કોર્ટ પાસે સમય ઓછો હતો. આ સંજોગોમાં જસ્ટિસ સુથારે સૈયદને લાંબી મૌખિક દલીલો કરવાને બદલે પોતાની રજૂઆત લેખિતમાં આપવા કહ્યું હતું. અહેવાલમાં જણાવ્યા મુજબ, આ સૂચનથી નારાજ થયેલા સૈયદે ઊભા થઈને કહ્યું હતું, “લખી દો સાહેબ, કોર્ટ પાસે ટાઇમ નથી.” તેમના નિવેદન અને વર્તન સામે ન્યાયમૂર્તિએ નારાજગી વ્યક્ત કરી હતી.

જસ્ટિસ સુથારે આદેશમાં સૈયદના નિવેદન સાથે તેમની શારીરિક મુદ્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટના અવલોકન મુજબ, આ વર્તન અદાલત પર રોફ જમાવવાનો અને સમય વ્યવસ્થાપન અંગે આક્ષેપ કરવાનો પ્રયાસ જણાતો હતો. કોર્ટે કહ્યું કે આવો વ્યવહાર અદાલતની ગરિમા અને સિનિયર એડવોકેટના પદને અનુરૂપ નથી.

સુનાવણી વખતે અન્ય વકીલો અને પક્ષકારો પણ પોતાની અરજીઓની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં એક જ દલીલો વારંવાર રજૂ કરીને ન્યાયિક સમય વાપરવો અને અન્ય વકીલો પ્રત્યે વ્યાવસાયિક સૌજન્ય ન દાખવવું સ્વીકાર્ય ન હોવાનું કોર્ટે નોંધ્યું.

ફરી આવું થાય તો ચીફ જસ્ટિસ સમક્ષ મામલો

હાઇકોર્ટે જણાવ્યું કે આવા વર્તનને હળવાશથી લઈ શકાય નહીં. જો સૈયદ તરફથી આવું વર્તન ફરી થશે તો ‘હાઇકોર્ટ ઓફ ગુજરાત (ડેઝિગ્નેશન ઓફ સિનિયર એડવોકેટ્સ) રૂલ્સ, 2025’ હેઠળ યોગ્ય કાર્યવાહી માટે મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવશે. જોકે, હાલ સિનિયર એડવોકેટને સુધરવાની છેલ્લી તક આપવામાં આવી છે. ભવિષ્યમાં કોર્ટના નિયમોનું પાલન કરવા અને અસભ્ય કે અસહિષ્ણુ વર્તનથી દૂર રહેવાની આશા પણ કોર્ટે વ્યક્ત કરી.

આદેશમાં સૈયદના ભૂતકાળના આવા કિસ્સાઓનો પણ ઉલ્લેખ થયો છે. અગાઉના મામલાઓમાં તેમણે માફી માગી હોવા છતાં વ્યાવસાયિક વર્તનમાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો ન હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ તબક્કે આદેશમાં આગળની કાર્યવાહીનો નિર્ણય નહીં, પરંતુ પુનરાવર્તન થાય તો ચીફ જસ્ટિસ સમક્ષ મામલો મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.