ગુજરાતમાં રખડતા શ્વાનોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરતી સુઓમોટો કાર્યવાહી પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અમલ અંગે રાજ્યએ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ત્રણ સોગંદનામાં રજૂ કર્યાં છે. સમગ્ર કામગીરીનો અહેવાલ પણ ત્યાં મૂકવામાં આવશે. હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જાહેર સંસ્થાઓની સુરક્ષા, એનિમલ બર્થ કંટ્રોલ (ABC) કેન્દ્રોની ઉપલબ્ધતા અને હડકવાની રસીના જથ્થા અંગે ચર્ચા થઈ.

સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે રાજ્યમાં એવી 79,150 સંસ્થાઓ ઓળખવામાં આવી છે, જ્યાં રખડતા શ્વાનોનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. તેમાં 7,748 અર્બન લોકલ બોડીની સંસ્થાઓ અને રાજ્યના વિભાગો હેઠળની 71,402 સંસ્થાઓનો સમાવેશ થાય છે. શિક્ષણ સંસ્થાઓ, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને બસ ડેપો આ યાદીમાં સામેલ છે. આ સ્થળોએ દેખરેખ રાખવા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કરાવવા 6,478 નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ હોવાનું સરકારે જણાવ્યું.

સંસ્થાઓની સુરક્ષા અને અમદાવાદની સ્થિતિ

કોર્ટ મિત્રે ભાર મૂક્યો કે માત્ર નિરીક્ષણ પૂરતું નથી; દરેક સંસ્થામાં રખડતા શ્વાનોને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા હોવી જોઈએ. સરકારના જણાવ્યા મુજબ, ઓળખાયેલી સંસ્થાઓમાં તાજેતરમાં 754 વખત શ્વાનોને દૂર કરવાની કામગીરી થઈ છે, જ્યારે 7,130 સંસ્થાઓમાં એક પણ રખડતો શ્વાન મળ્યો નથી.

અમદાવાદ જિલ્લામાં 1,150 સંસ્થાઓ નોંધાઈ છે. તેમાં 214 આરોગ્ય સંસ્થાઓ, 792 શિક્ષણ સંસ્થાઓ, બસ સ્ટેન્ડ, રેલવે અને એરપોર્ટ સહિતની 13 સંસ્થાઓ, એક કોર્ટ, 43 રમતગમત સંકુલ અને 87 જાહેર જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ, આ પૈકી 1,140 સંસ્થાઓને સુરક્ષિત જાહેર કરાઈ છે. સ્થાનિક સ્તરે શ્વાનોની સમસ્યા અંગે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા નોડલ ઓફિસરોની જવાબદારી રહેશે.

ABC કેન્દ્રો અને રસી અંગે રજૂઆત

કોર્ટ મિત્રે જણાવ્યું કે રાજ્યના 34 જિલ્લામાંથી 13માં ABC કેન્દ્ર નથી. સરકારના સોગંદનામા મુજબ, 29 નવા કેન્દ્રો ઊભાં કરવાની દરખાસ્ત છે. આ કેન્દ્રો કેન્દ્રવિહોણા જિલ્લાઓ ઉપરાંત 12 જિલ્લામાં વધારાની સુવિધા માટે બનાવવાનું આયોજન છે. સરકારી વકીલે જણાવ્યું કે લાંબા સમય સુધી ઉપયોગી રહે તેવા કેન્દ્રો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં સ્થાનિક કેન્દ્ર નથી ત્યાં નજીકના જિલ્લામાં પ્રાણીઓનું વંધ્યીકરણ કરાવાય છે; ખેડા અને આણંદનાં પ્રાણીઓને વડોદરા લઈ જવાનું ઉદાહરણ આપવામાં આવ્યું.

હડકવાની રસીના ઉપલબ્ધ જથ્થા અને જરૂરિયાત અંગે કોર્ટ મિત્રે માહિતી માગી હતી. સરકારી વકીલે જણાવ્યું કે અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં આશરે 100 યુનિટ પૂરતા છે અને રાજ્યનાં દરેક આરોગ્ય કેન્દ્રમાં રસીના 2થી 3 યુનિટ હોય છે. સુપ્રીમ કોર્ટમાં દર ચાર મહિને અને હાઇકોર્ટમાં દર બે મહિને પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો હોવાનું પણ સરકાર તરફથી જણાવાયું. ABC કેન્દ્રોની સ્થિતિ અંગે આગળની સુનાવણીમાં ચર્ચા થઈ શકે છે.