ગુજરાત સરકારે ફ્લાયદુબઈની ફ્લાઇટના કૅપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ઠ ગુજરાત ગરિમા ઍવૉર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ લખ્યું કે મૂળ ગુજરાતના કૅપ્ટન સ્મિત મચ્છરે પોતાના શૌર્યથી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, કૅપ્ટન મચ્છરના અસાધારણ સાહસ અને માનવતાપૂર્ણ કાર્યનું સન્માન કરવા માટે રાજ્ય સરકાર આ પુરસ્કાર આપશે.

ફ્લાઇટમાં શું બન્યું હતું

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કૉકપિટમાં વિવાદ થયો હતો. ફ્લાયદુબઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિમાનના ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વિમાનનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયા તરફ વાળીને ઉતારવામાં આવ્યું હતું.

ઉપલબ્ધ વિગતો અનુસાર, કૉકપિટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કૅપ્ટન સ્મિત મચ્છર ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ઇઝરાયલી હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ સંયુક્ત આરબ અમીરાતે તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. યુએઈના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. વિમાન યુએઈમાં નોંધાયેલું હોવાથી અને યુએઈનો ધ્વજ લઈને ઊડતું હોવાથી, લાગુ કાયદા મુજબ તેની ન્યાયિક સંસ્થાઓને તપાસનો અધિકાર હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

તપાસમાં ઘટનાના તમામ પાસાં, સંભવિત કારણો અને તેનો કોઈ આતંકવાદી પ્રવૃત્તિ, આતંકવાદી ઇરાદા અથવા પૂર્વનિયોજિત યોજના સાથે સંબંધ હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. યુએઈએ લોકોને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અટકળો ન ફેલાવવાની અપીલ કરી છે.

કૅપ્ટન મચ્છરની તબિયત સ્થિર

સાઉદી અરેબિયાસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે કૅપ્ટન સ્મિત મચ્છર ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તાબુક શહેરની હૉસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું દૂતાવાસે જણાવ્યું છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

દૂતાવાસે કહ્યું કે તે કૅપ્ટન મચ્છરના પરિવારના સંપર્કમાં છે અને સાઉદી અધિકારીઓ સાથે તેમની તબિયત અંગે સતત માહિતી મેળવી રહ્યું છે. સારવાર માટે શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કૅપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં કૅપ્ટન મચ્છરે અસાધારણ હિંમત દાખવી અને અનેક લોકોના જીવ બચાવવામાં મદદ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને ‘હીરો’ ગણાવ્યા હતા.