ગાંધીનગર: હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર પાલન માટે ગુજરાત સરકારે રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે Standard Operating Procedure (SOP) નક્કી કરી છે. નવી પ્રક્રિયા હેઠળ અદાલતનો ચુકાદો મળ્યા બાદ સંબંધિત વિભાગે તેને સ્વીકારવો કે તેની સામે અપીલ કરવી, તેનો નિર્ણય નિયત સમયમર્યાદામાં લેવો પડશે.
સરકારનો હેતુ ચુકાદાના અમલમાં થતા બિનજરૂરી વિલંબને અટકાવવાનો છે. સમયસર કાર્યવાહી ન થવાથી અદાલતી અવમાનનાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી વિભાગોને ચુકાદો મળ્યા બાદ ફાઈલ પડતર રાખવાને બદલે આગળની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની રહેશે.
ચુકાદો સ્વીકારવો કે અપીલ કરવી, તે સમયસર નક્કી કરવું પડશે
જો સંબંધિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે, તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ જરૂરી પગલાં લેવા પડશે. જો ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લેવી પડશે અને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવી પડશે.
આ સાથે કાયદા વિભાગે 29 જૂન, 2024ના રોજ જાહેર કરેલા નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી પણ સંબંધિત વહીવટી વિભાગની રહેશે. એટલે કે અપીલનો નિર્ણય અંતિમ તબક્કે લઈ કાયદા વિભાગ સમક્ષ મોકલવાથી થતો વિલંબ હવે વિભાગની જવાબદારી ગણાશે.
અપીલની દરખાસ્તમાં ઈ-ફાઈલ અને દસ્તાવેજો ફરજિયાત
અપીલની દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજો ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવા પડશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોની સ્પષ્ટ હાઈપરલિંક પણ નોંધવાની રહેશે.
દરખાસ્તમાં જરૂરી વિગતો ઉપલબ્ધ છે કે નહીં, તેની ખાતરી માટે સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટ રાખવી પડશે. તેમાં વિલંબ થયો હોય તો તેના કારણો પણ નોંધવાના રહેશે. આ પ્રક્રિયાથી દસ્તાવેજોની અછત અથવા વારંવારના પત્રવ્યવહારને કારણે થતો વિલંબ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિલંબ માટે વિભાગના વડાની જવાબદારી
નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાય, તો લાગુ નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરાવવાની જવાબદારી વિભાગના વડાની રહેશે. સરકારના આ નિર્ણયથી ચુકાદા પછીની વહીવટી પ્રક્રિયામાં જવાબદારી વધુ સ્પષ્ટ બનશે.
કેટલાક કિસ્સામાં રેકોર્ડ ઉપલબ્ધ ન હોવા, સેવા સંબંધિત જરૂરી માહિતીના અભાવ અથવા નિર્ણય લેવાની પ્રક્રિયા બાકી હોવાને કારણે સમયસર અમલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં Miscellaneous Civil Application for Time Extension દાખલ કરીને વધારાનો સમય માંગવો પડશે. આવી અરજી મૂળ ચુકાદામાં નક્કી કરાયેલી સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ દાખલ કરવાની રહેશે.
