ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના મંત્રીઓ, સચિવો, કલેક્ટર સહિત વિવિધ સંવર્ગના અધિકારીઓ અને પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી છે. નીતિ હેઠળ દરેક હોદ્દા અને કક્ષાને અનુરૂપ વાહનોના ચોક્કસ મોડેલ નક્કી કરવામાં આવ્યા છે.
સરકારી કામગીરી દરમિયાન ફિલ્ડ ઇન્સ્પેક્શન એટલે કે ક્ષેત્રીય નિરીક્ષણ અને ઓફ રોડ ડ્યુટી માટે અલગ વાહન કેટેગરી ઉમેરવામાં આવી છે. આ જોગવાઈથી સંબંધિત કામગીરી માટે જરૂરી વાહનોની ફાળવણીને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
GeM મારફતે જ સરકારી વાહનોની ખરીદી
નવી નીતિ મુજબ તમામ વિભાગો માટે મંજૂર કરાયેલા વાહનોની ખરીદી Government e-Marketplace એટલે કે GeM પોર્ટલ પરથી જ કરવાની રહેશે. સરકારી ખરીદીમાં પારદર્શિતા અને એકરૂપતા જાળવવાના હેતુથી આ જોગવાઈ કરવામાં આવી છે.
ઈંધણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ખરીદીમાં પ્રથમ પસંદગી પેટ્રોલ વાહનોને આપવામાં આવશે. જો પેટ્રોલ મોડેલ ઉપલબ્ધ ન હોય, તો જ ડીઝલ વાહન ખરીદી શકાશે. જોકે, પર્યાવરણલક્ષી પગલાં લેવા ઇચ્છુક વિભાગોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
જિલ્લા પંચાયત પ્રમુખોને પણ વાહન મંજૂરી
નવી નીતિ હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખોને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO કક્ષાના અધિકારી સમકક્ષ વાહન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ જોગવાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મંજૂર વાહન નીતિમાં સમાવિષ્ટ ન હોય તેવું કોઈપણ વાહન ખરીદવા માટે નાણા વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આથી વાહન ખરીદીમાં નિયમિતતા જળવાઈ રહે અને સરકારી ખર્ચમાં શિસ્ત તથા એકરૂપતા આવે તેવો ઉદ્દેશ છે.
સરકારી વિભાગો અને સંબંધિત સંસ્થાઓએ નવી નીતિ મુજબ વાહન ખરીદી અને ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
