ગાંધીનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. મહામંડળે ચેતવણી આપી છે કે નિયત સમયગાળામાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે. આંદોલનના કારણે સરકારી કામગીરી પર અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહામંડળના જણાવ્યા મુજબ, વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી. વારંવાર રજૂઆતો છતાં નક્કર પરિણામ ન મળતા કર્મચારીઓમાં અસંતોષ છે. કર્મચારી સંગઠને જણાવ્યું છે કે કર્મચારીઓ સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડે છે, પરંતુ તેમની સેવા સંબંધિત માંગણીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
કર્મચારી મહામંડળે ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે આ પ્રથા કર્મચારીઓ માટે અન્યાયપૂર્ણ છે. સાથે જ સામાજિક સુરક્ષાના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અને કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવા માગણી કરવામાં આવી છે.
સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને મહેકમ વધારવાની પણ માંગ છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, ખાલી જગ્યાઓને કારણે હાલના કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. 50 વર્ષની વય વટાવી ચૂકેલા વરિષ્ઠ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની માગ પણ રજૂ કરવામાં આવી છે.
પંચાયત, બોર્ડ-નિગમો અને નગરપાલિકાના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ સમાન દરજ્જો અને લાભો આપવા અંગે પણ મહામંડળે સરકારનું ધ્યાન દોર્યું છે. સંગઠને કહ્યું છે કે આ પ્રશ્નો અંગે હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ સમયબદ્ધ નિર્ણય જરૂરી છે.
ગાંધીનગરમાં બેરોજગાર યુવાનોની ભરતીની માગ
આ જ સમયગાળામાં ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના એપ્રેન્ટિસ કરેલા બેરોજગાર યુવાનો પણ એકઠા થયા હતા. યુવાનોનો આક્ષેપ છે કે સરકાર પરીક્ષાઓ લે છે, પરંતુ સમયસર અને પૂરતી ભરતી કરતી નથી.
યુવાનોના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં લેવાયેલી એક પરીક્ષામાં લગભગ 4,800 ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ માત્ર 183 ઉમેદવારોનો એક રાઉન્ડ જાહેર કરીને ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવી નથી. ભરતીમાં કુલ જગ્યાઓનો સ્પષ્ટ આંકડો જાહેર ન થવાથી આગામી રાઉન્ડ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
યુવાનોએ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવાની, ખાલી જગ્યાઓનો આંકડો જાહેર કરવાની અને પરીક્ષા પાસ કરેલા વધુમાં વધુ ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવાની માંગ કરી છે. હવે કર્મચારી મહામંડળના 15 દિવસના અલ્ટિમેટમ પર સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.
