ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026નો અમલ વધુ સઘન બનાવ્યો છે. ઘરેથી કચરો આપતા પહેલાં તેને ચાર અલગ પ્રવાહમાં વહેંચવો પડશે: ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો કચરો. નિયમો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવ્યા છે. શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાની 100 ટકા વ્યવસ્થા કરવાનો પણ નિયમમાં સમાવેશ થાય છે.
આ વર્ગીકરણનો હેતુ કચરો એકત્ર થાય તે પહેલાં જ તેને અલગ રાખવાનો છે. ભીના કચરામાં રસોડાનો અને અન્ય જૈવિક રીતે વિઘટન પામે એવો કચરો આવે છે; સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, ધાતુ અને કાચ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. વપરાયેલા સેનિટરી ઉત્પાદનો અલગ રાખવાના છે, જ્યારે ખાસ કાળજીવાળા કચરાને પણ સામાન્ય કચરા સાથે ભેળવવાનો નથી. નિયમો હેઠળ આ અલગ કરેલો કચરો ઘરેથી એકત્ર કરતી ગાડીને સોંપવાનો રહેશે.
મોટા કચરા-ઉત્પાદકો માટે અલગ જવાબદારી
રહેણાંક કોમ્પ્લેક્સ, હોટેલ, સંસ્થા અને ઓફિસ સહિતના મોટા કચરા-ઉત્પાદકો માટે ભીના કચરાની પ્રક્રિયા પોતાના પરિસરમાં કરવાની જવાબદારી રાખવામાં આવી છે. સૂકા કચરાનો નિકાલ નોંધાયેલ અથવા અધિકૃત એજન્સી મારફતે કરવાનો રહેશે. આ જોગવાઈ એવા એકમોને લાગુ પડે છે, જેમાં બિલ્ટ-અપ વિસ્તાર 20,000 ચોરસ મીટર કે તેથી વધુ હોય, રોજનો પાણી વપરાશ ઓછામાં ઓછો 40,000 લિટર હોય અથવા રોજ 100 કિલો કે તેથી વધુ ઘન કચરો પેદા થતો હોય. આમાંથી કોઈ એક માપદંડ લાગુ પડતો હોય તો એકમને મોટા કચરા-ઉત્પાદક તરીકે ગણવામાં આવે છે.
અમલ અને દેખરેખ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે નિયુક્ત કરાયા છે. જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ખાસ સેલ બનાવાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે પ્રતિનિધિઓ, નગરપાલિકાના અધિકારીઓ અને કચરા વ્યવસ્થાપન સાથે જોડાયેલા કર્મચારીઓ માટે રાજ્યસ્તર તથા પ્રાદેશિક તાલીમ શિબિરો યોજી છે.
ફરિયાદ માટે વોટ્સએપ નંબર
શાળાઓ, કોલેજો, રહેણાંક સોસાયટીઓ અને વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવાય છે. સફાઈ કર્મચારીઓ, ઘરેથી કચરો એકત્ર કરતા કર્મચારીઓ અને તેમના સુપરવાઇઝરોને પણ તેમાં જોડવામાં આવ્યા છે. વધુ અવરજવરવાળા વિસ્તારોમાં સફાઈ માર્શલ્સ નજર રાખે છે; વિદ્યાર્થીઓને સ્વચ્છતાની ટેવો વિકસાવવા પ્રાયોગિક કાર્યપોથી અપાઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ધારિત માપદંડોને સ્વચ્છતા સમીક્ષા કેન્દ્રના પોર્ટલમાં સામેલ કરાયા છે.
સફાઈ સંબંધિત ફરિયાદો માટે 76228 80000 વોટ્સએપ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકાય છે. વિભાગના જણાવ્યા મુજબ, લગભગ 99 ટકા ફરિયાદો 24 કલાકની નિર્ધારિત મુદતમાં ઉકેલાય છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સ્વચ્છતા તથા કચરા વ્યવસ્થાપન સુધારવા ‘માય સિટી, ક્લીન સિટી’ પુરસ્કાર પણ શરૂ કરાયો છે. જાહેર સ્થળે કચરો ન ફેંકવા અને ન બાળવા અપીલ સાથે સરકારે સ્વચ્છતા માટે નાગરિકોની ભાગીદારી પર ભાર મૂક્યો છે.
