ગુજરાતના બનાસકાંઠા, ભરૂચ અને ગાંધીનગર જિલ્લામાં સોમવાર મોડી રાતથી મંગળવાર સુધી થયેલા ચાર અલગ માર્ગ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયાં. મૃતકોમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાન અને ગરબા રમીને પરત ફરતા ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં પાંચ, જ્યારે ભરૂચ અને ગાંધીનગરમાં ત્રણ-ત્રણ લોકોનાં મોત થયાં.
ભરૂચમાં PSI સહિત ત્રણનાં મોત
ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં વડોદરાના PSI યશ પટેલ (27), મહેસાણાના પાર્થ પટેલ (27) અને અસ્ફાક મોમિન (28)નાં મોત થયાં. ત્રણેય ભરૂચમાં એક મિત્રને મળવા જઈ રહ્યા હતા.
પ્રાથમિક વિગતો પ્રમાણે, કાર આગળ જઈ રહેલા ટેમ્પો સાથે અથડાઈ હતી. ત્યારબાદ અન્ય વાહને કારને ટક્કર મારતાં તે પલટી ગઈ હતી. અકસ્માત બાદ ટેમ્પોનો ચાલક વાહન છોડીને ફરાર થયો હોવાની માહિતી છે. તાલુકા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
ગરબા રમીને પરત ફરતા ત્રણનાં મોત
ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથક હેઠળ એસ.જી. હાઈવે પર મહારાજા હોટેલ નજીક વહેલી સવારે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ અને વૃક્ષ સાથે ટકરાઈ હતી. કારમાં ચાર યુવાનો હતા; તેઓ આખી રાત ગરબા રમીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં વસ્ત્રાલના ધ્રુવલસિંહ રાણા, અમદાવાદની અંબાવાડી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને રાજકોટની મૂળ વતની આસ્થા રાઠોડ તથા બોડકદેવની વૈશવી શેઠનાં મોત થયાં. આસ્થા અમદાવાદની મેડિકલ કોલેજમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ચોથા મુસાફર સ્મિતને ગંભીર ઈજા થતાં જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં બે અકસ્માત
પાલનપુર-ડીસા હાઈવે પર બદરપુરા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં ચાલક શ્રવણ મજીરા (24) અને મુસાફરો છેહરા માલુપુરા (66) તથા તેમનાં પત્ની લાસુ (62)નાં મોત થયાં. દંપતી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવ્યા બાદ ડીસા પરત ફરી રહ્યું હતું. અજાણ્યા વાહનચાલકની શોધ ચાલુ છે.
અમિરગઢ-આબુ રોડ હાઈવે પર સિમેન્ટ ફેક્ટરી નજીક મોડી રાતે અજાણ્યા વાહને મોટરસાઇકલને ટક્કર મારતાં GRD જવાન ગોવિંદ ચૌહાણ (30) અને તેમના મિત્ર પવન ખરાડી (23)નાં મોત થયાં. બંને અમિરગઢ તાલુકાના જુદા-જુદા ગામના રહેવાસી હતા. અમિરગઢ પોલીસે વાહન અને ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.
