દિવાળી દરમિયાન આગની ઘટના બને તો ઝડપી મદદ મળી રહે તે માટે ગુજરાતના અનેક શહેરોમાં ફાયર વિભાગે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે. અમદાવાદ સહિત છ મહાનગરોમાં તહેવારના સમયગાળા દરમિયાન 112ની સાથે 101 નંબર પર પણ સંપર્ક કરી શકાશે. અમદાવાદનાં તમામ 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ફટાકડાનાં બજારો અને ભીડવાળા વિસ્તારોમાં ટીમો તથા ઇમરજન્સી વાહનો સ્ટેન્ડબાય રહેશે.

અમદાવાદના કાલુપુર, રિલીફ રોડ, લાલ દરવાજા અને બાપુનગર જેવા ગીચ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકાય તે માટે મિસ્ટ ટેક્નોલોજીવાળી મોટરસાઇકલ અને ક્વિક રિસ્પોન્સ વાહનોની વ્યવસ્થા કરાઈ છે. એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ પર વોટર બાઉઝર સાથે ફાયર કર્મચારીઓ તહેનાત રહેશે.

સૌરાષ્ટ્રનાં શહેરોમાં વિશેષ બંદોબસ્ત

જૂનાગઢમાં ગિરનાર દરવાજા, દોલતપરા ફાયર સ્ટેશન, આઝાદ ચોક, ઝાંસીની રાણી ચોક, ઝાંઝરડા ચોકડી અને મધુરમ ગેટ એમ છ સ્થળોએ ટીમો તૈયાર રહેશે. કુલ 120 કર્મચારીઓ 12-12 કલાકની બે પાળીમાં જરૂરી સાધનો સાથે ફરજ બજાવશે.

ભાવનગરમાં ઘોઘા ગેટ, સંસ્કાર મંડળ, જવાહર મેદાન અને ખારગેટ સહિત 11 સ્થળોએ 118 કર્મચારીઓની ડ્યૂટી ગોઠવાઈ છે. જામનગરમાં ત્રણ કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ, રાધિકા સ્કૂલ પાસે અને સાધના કોલોની રોડ-ગીન સિટી ખાતે હંગામી સ્ટેશન કાર્યરત રહેશે. દરબારગઢ સર્કલ અને રંગમતી નદીના પટમાં આવેલા ફટાકડા બજારમાં પણ ટીમો રહેશે. જામનગરમાં કુલ 130 કર્મચારીઓ વાહનો સાથે ફરજ પર રહેશે.

ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં તૈયારી

ગાંધીનગરમાં સેક્ટર-17, સરગાસણ, ભાટ અને રાંધેજા ફાયર સ્ટેશન પર 27 ફાયર અને ઇમરજન્સી વાહનો તૈયાર રાખવામાં આવ્યાં છે. તેમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝરનો સમાવેશ થાય છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સાથે ટીમો ચોવીસ કલાક ફરજ બજાવશે. રાજકોટનાં તમામ 10 ફાયર સ્ટેશન પર ફાયર ફાઇટિંગ ટીમો અને ઇમરજન્સી વાહનો સ્ટેન્ડબાય રહેશે.

ફાયર વિભાગે નાગરિકોને ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ જ ફટાકડા ફોડવા, જ્વલનશીલ વસ્તુઓ, વાહનો તથા ગીચ વસાહતોથી દૂર રહેવા અપીલ કરી છે. બાળકો ફટાકડા ફોડે ત્યારે વડીલોની હાજરી રાખવી અને સલામતીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આગ કે અન્ય ઇમરજન્સી સર્જાય તો 101 અથવા 112 પર સંપર્ક કરી શકાય છે.