SIR પ્રક્રિયાને લઈને મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કઢાયાના આક્ષેપ સાથે ગુજરાતમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી વિરોધ પ્રદર્શન યોજ્યાં હતાં. રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢમાં કાર્યકરોએ નારેબાજી, આવેદનપત્ર અને પ્રતિકાત્મક દેખાવો કર્યા હતા.
રાજકોટમાં પ્રતિકાત્મક વિરોધ
રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરોએ જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરાવેલા એક યુવા કાર્યકરને દોરડાથી બાંધી કલેક્ટર કચેરી સુધી લઈ જઈ પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન ‘ગદ્દાર’ લખેલાં પોસ્ટર પણ દર્શાવવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ મહોરું પહેરેલા કાર્યકરને ઘૂંટણીએ બેસાડ્યો હતો.
કોંગ્રેસે આ પ્રદર્શન દ્વારા ચૂંટણી પંચની સ્વાયત્તતા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.
સુરતમાં બેરિકેડ તોડવાનો પ્રયાસ
સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. ‘વોટ ચોર, ગાદી છોડ’ના નારા સાથે કાર્યકરોએ કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસ બેરિકેડ્સ તૂટી ગયાં હતાં. પોલીસે રસ્તો રોકનારા કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન મહિલા કાર્યકરો સહિત કેટલાક પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા.
વડોદરામાં પૂતળાદહન
વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો અને કાળી પટ્ટી પહેરીને વિરોધમાં જોડાયા હતા. ‘સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?’ લખેલાં બેનરો સાથે રાજીનામાની માગ કરવામાં આવી હતી. પૂતળાદહન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.
જૂનાગઢમાં આવેદનપત્ર
જૂનાગઢમાં કોંગ્રેસ સમિતિના નેતા કરશનદાસ ભાદરકા અને કાર્યકરોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મતદાર યાદીમાંથી ગેરરીતિપૂર્વક નામો કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી.
