ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા, થારા નગરપાલિકા અને ઓખા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં ભાજપે ત્રણેય સ્થાનિક સંસ્થાઓમાં સત્તા જાળવી છે. 11 ઓક્ટોબરે મતદાન થયું હતું અને 13 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર થયાં.
ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપે 38 જીતી. કોંગ્રેસને પાંચ બેઠકો મળી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ. આમ આદમી પાર્ટી આ વખતે એક પણ બેઠક જીતી શકી નથી. 2021ની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો મેળવી હતી; આ વખતે તેની બેઠકસંખ્યા ત્રણ ઘટી. તે વખતે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. આ વખતની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં હતા.
થારા અને ઓખાનું પરિણામ
બનાસકાંઠા જિલ્લાના થારા નગરપાલિકાની 24 બેઠકોમાંથી ભાજપે 19 અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં મતદાન થયેલી 32 બેઠકોમાંથી ભાજપને 29 અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી. ઓખાની ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો જ મેદાનમાં રહેતાં તે બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. એ બેઠકો સહિત ઓખા નગરપાલિકાની કુલ 36માંથી 33 બેઠકો ભાજપ પાસે ગઈ.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ગાંધીનગરમાં 59.25 ટકા, થારામાં 81.18 ટકા અને ઓખામાં 63.27 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણેય સંસ્થાઓમાં મતદાન 11 ઓક્ટોબરે થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને અભિનંદન આપ્યાં. તેમણે પરિણામને ભાજપની વિકાસલક્ષી નીતિમાં મતદારોના વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું અને જાહેર સેવા તથા રાષ્ટ્રસેવા દ્વારા ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના લક્ષ્ય માટે કામ કરવાની વાત કરી.
