ગુજરાતમાં કથિત ‘પેપર પાર્ટીઓ’ને મળતા મોટા રાજકીય દાનના મામલે ગાંધીનગર CID ક્રાઇમે ત્રણ પક્ષો અને તેમના પદાધિકારીઓ સામે FIR નોંધી છે. આ કાર્યવાહી આવકવેરા વિભાગના અધિકારીઓની ફરિયાદોના આધારે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજોના ઉપયોગ સહિતના આરોપોની તપાસ ચાલી રહી છે.

CID ક્રાઇમના અધિકારીના જણાવ્યા અનુસાર, બે પક્ષ અમદાવાદમાં અને એક પક્ષ ગાંધીનગરમાં કાર્યરત છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસની પ્રક્રિયા ચાલુ છે.

ભારતીય નૅશનલ જનતા દળ સામે કાર્યવાહી

ગાંધીનગરના મેઘમલ્હાર કૉમ્પ્લેક્સમાં કાર્યરત ભારતીય નૅશનલ જનતા દળ (BNJD) અને તેની સાથે સંકળાયેલા ચાર લોકો સામે કેસ નોંધાયો છે. FIR મુજબ, 2019-20 અને 2024-26 વચ્ચે પક્ષને 1143 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું હતું અને તેના કારણે સરકારી તિજોરીને 343 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.

તપાસ એજન્સીનો આરોપ છે કે નકલી દસ્તાવેજો અને કન્ટ્રિબ્યુશન રિપોર્ટ (ફૉર્મ 24A) ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, વિવિધ દાતાઓ પાસેથી RTGS મારફતે પક્ષના પાંચ અલગ-અલગ બૅન્ક ખાતામાં રકમ જમા કરાવવામાં આવતી હતી. ત્યાર બાદ દાતાઓને નકલી દાનની રસીદો આપવામાં આવતી હતી, જેથી તેઓ આવકવેરા કાયદાની કલમ 80GGB અને 80GGC હેઠળ 100 ટકા કર કપાતનો દાવો કરી શકે.

અભિવ્યક્તિ સ્વતંત્રતા પાર્ટીનો મામલો

અભિવ્યક્તિ સ્વતંત્રતા પાર્ટી સામે 2023થી 2025 દરમિયાન 519 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધાયો છે. FIRમાં સરકારી તિજોરીને 155 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.

પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પુરુષોત્તમ તિવારી, ટૅક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂરસિંહ રાઠોડ સહિત પક્ષ સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ થઈ છે. FIR મુજબ, દાનની રકમમાંથી 8થી 9 ટકા કમિશન કાપીને બાકી રકમ મૂળ દાતાઓને રોકડમાં પરત કરવામાં આવતી હોવાનો આરોપ છે. પક્ષને 2023-24માં 219 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

ગરીબ કલ્યાણ પાર્ટી સામે કેસ

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં કાર્યરત ગરીબ કલ્યાણ પાર્ટી અને તેની સાથે સંકળાયેલા આઠ લોકો સામે પણ CID ક્રાઇમે કેસ નોંધ્યો છે. FIR મુજબ, 2022 અને 2026 વચ્ચે પક્ષને 206 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ મળ્યું હતું અને સરકારી તિજોરીને 62 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો આરોપ છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પક્ષના ખાતામાં આવેલા નાણાં બે કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ 5થી 7 ટકા કમિશન કાપીને બાકીની રકમ મૂળ દાતાઓને પરત કરવામાં આવતી હતી. પક્ષને 2023-24માં 138 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું પણ નોંધાયું છે. પક્ષ પ્રમુખ નીરજ ક્ષત્રિય, ખજાનચી ધીરજ ક્ષત્રિય અને અન્ય છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

સ્થાનિક અહેવાલોમાં સત્યવાદી રક્ષક પક્ષ સામે પણ FIR થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેની નકલ ઉપલબ્ધ ન હોવાથી તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.