ગાંધીનગર: ગુજરાત ભાજપે 7 ઓક્ટોબરે યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકમાં યાત્રાના આયોજન ઉપરાંત આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા અને પ્રદેશ પ્રભારી તરુણ ચુગની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત સહિત દેશના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ યાત્રા યોજાશે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે જાહેરસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ સાથે જોડાયેલો છે. 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને ભાજપે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
સવારે 9 વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે. તેમના સંબોધન પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કાર્યકર્તાઓને સંબોધશે.
બંને નેતાઓના સંબોધનનું ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં યાત્રાના પ્રસ્થાન સ્થળે લાઇવ પ્રસારણ કરવામાં આવશે. સંબોધન પૂર્ણ થયા બાદ સ્થાનિક આગેવાનો દ્વારા સેવા જ્યોત પ્રજ્વલિત કરવામાં આવશે અને ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવશે.
યાત્રામાં ભાજપના સંગઠન પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાશે. યાત્રા દ્વારા વડાપ્રધાનની જાહેરસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સંદેશ આપવામાં આવશે.
સંગઠનાત્મક કામગીરીની પણ સમીક્ષા
પ્રદેશ બેઠકમાં તરુણ ચુગ, જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે સંગઠનાત્મક કામગીરી તથા આગામી કાર્યક્રમોના સુચારુ સંચાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી કામગીરી, જનસુવિધા અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી સતત લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું.
નવા સહ-પ્રભારીઓ અજય મહાવર અને ગોમતી સાઈ તેમજ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીની નિયુક્તિ બાદ પરિચય બેઠક પણ યોજાઈ હતી. આ ઉપરાંત ભાજપના વિવિધ મોરચા, મીડિયા, સોશિયલ મીડિયા અને IT વિભાગના પદાધિકારીઓ સાથે અલગ બેઠકમાં કામગીરી, જવાબદારીનું સંકલન, કાર્યકર્તાઓ સાથેનો સંવાદ અને આગામી કાર્યક્રમોના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી.
