ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કામગીરી સામે તકેદારી આયોગના તાજેતરના અહેવાલમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ છેલ્લા 6 વર્ષ દરમિયાન કોર્ટમાં ચાલેલા 536 કેસોમાંથી 351 કેસમાં આરોપ સાબિત થઈ શક્યો નહોતો. ACB 185 કેસમાં જ ગુનો સાબિત કરાવી શકી હતી. આ ઉપરાંત 8 કેસમાં આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ આંકડા તપાસ બાદ કેસને કોર્ટમાં સફળતાપૂર્વક સાબિત કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા ઊભી કરે છે. અહેવાલમાં ACBની ટ્રેપ કાર્યવાહી અને તેના પરિણામોની વિગતો પણ રજૂ કરવામાં આવી છે.
છ વર્ષમાં સફળ અને નિષ્ફળ ટ્રેપ
વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ 6 વર્ષમાં રાજ્યમાં કુલ 1,047 સફળ ટ્રેપ નોંધાયા હતા, જ્યારે 739 ટ્રેપ નિષ્ફળ રહ્યા હતા. વર્ષવાર આંકડા પ્રમાણે 2020માં 145 સફળ અને 107 નિષ્ફળ ટ્રેપ થયા હતા. 2021માં આ સંખ્યા અનુક્રમે 138 અને 124 રહી હતી.
2022માં 168 સફળ અને 75 નિષ્ફળ ટ્રેપ નોંધાયા હતા. 2023માં 194 સફળ તથા 113 નિષ્ફળ ટ્રેપ રહ્યા હતા. 2024માં 209 સફળ અને 147 નિષ્ફળ ટ્રેપ નોંધાયા હતા, જ્યારે 2025માં 193 સફળ તથા 173 નિષ્ફળ ટ્રેપ નોંધાયા હતા.
2024 અને 2025માં નોંધાયેલા કેસ
વર્ષ 2024માં ACBએ 349 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા. તેમાં વર્ગ-1ના 17, વર્ગ-2ના 39, વર્ગ-3ના 136 અને વર્ગ-4ના 6 કર્મચારીઓ ઉપરાંત 151 ખાનગી આરોપીઓનો સમાવેશ થતો હતો. આ સમયગાળામાં કુલ 231 ગુનાઓ નોંધાયા હતા. તેમાં 186 ટ્રેપ, 23 ડીકોય, આવક કરતાં વધુ સંપત્તિના 12 અને અન્ય 10 કેસ સામેલ હતા.
વર્ષ 2025માં 310 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં વર્ગ-1ના 13, વર્ગ-2ના 35, વર્ગ-3ના 134 અને વર્ગ-4ના 5 કર્મચારીઓ ઉપરાંત 123 ખાનગી આરોપીઓ હતા. કુલ 213 ગુનાઓમાં 174 ટ્રેપ, 19 ડીકોય, આવક કરતાં વધુ સંપત્તિના 16 અને અન્ય 4 કેસનો સમાવેશ થતો હતો.
કોર્ટમાં કેસ સાબિત કરવાની પ્રક્રિયા પર ભાર
અહેવાલમાં રજૂ થયેલા આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ACB દ્વારા ટ્રેપ અને ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, કોર્ટમાં પુરાવા રજૂ કરીને ગુનો સાબિત કરાવવાનો તબક્કો પડકારજનક રહ્યો છે. 536 કેસોમાંથી 351 કેસ સાબિત ન થવા અને 8 કેસમાં ડિસ્ચાર્જ થવાથી તપાસ, ચાર્જશીટ અને કોર્ટમાં પુરાવાની રજૂઆત અંગે સવાલો ઊભા થયા છે.
