રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમનો 13 વર્ષનો પુત્ર સામેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અનિડા ભાલોડી ગામના જયેશ કરશનભાઈ બગડા, તેમની પત્ની શાંતુબહેન અને પુત્ર વ્રજ એક્ટિવા પર રામોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી કાર સાથે તેમની ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય લોકો દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

સાળંગપુર બાદ અક્ષર મંદિર જવાના હતા

બગડા પરિવાર સાળંગપુર ખાતે દર્શન કર્યા બાદ ગોંડલના અક્ષર મંદિર તરફ જઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર, અકસ્માત વહેલી સવારે ઘોઘાવદર નજીક થયો હતો. કારમાં આણંદ તરફથી આવેલા દર્શનાર્થીઓ સવાર હોવાનું પણ સામે આવ્યું છે.

મૃતક જયેશ બગડા સેન્ટિંગનું કામ અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર વ્રજ ગોંડલની ઓરો સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો.

પોલીસ તપાસ શરૂ

અકસ્મતમાં પરિવારના ત્રણ સભ્યોનાં મોત બાદ અનિડા ભાલોડી ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ શરૂ કરી છે. કારચાલક તથા અકસ્માતની અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.