પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સ્વિફ્ટ કાર પલટી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રસ્તા પર પલટી ગઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું.

મૃતક અને ઈજાગ્રસ્તોની ઓળખ

અકસ્મતમાં મૃત્યુ પામનારની ઓળખ દિલ્હીના રહેવાસી રોહિત કુમાર રાજસિંગ જાટ તરીકે થઈ છે. તેઓ ગોવા ખાતે GST ઓફિસમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.

કારમાં સવાર સંદીપ રણબીર સિંગ જાટ, જયદીપ પ્રેમ સિંગ જાટ અને મનોજ કુમાર નરેશ તુશિરને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણેય હરિયાણાના રહેવાસી હોવાનું જણાવાયું છે. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસની કાર્યવાહી

અક અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી અને રાહત કામગીરી હાથ ધરી હતી.

પોલીસે રોહિત કુમારના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે. પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર પલટી જવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.