જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત પ્રારંભ પહેલાં જ ભવનાથ તળેટીમાં ભાવિકો ઉમટી પડ્યા છે. 36 કિલોમીટરના જંગલ માર્ગે યોજાતી આ પરિક્રમાનો ગેટ 20 નવેમ્બરની મધરાતે પૂજા-અર્ચના બાદ ખોલવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા યાત્રાળુઓ હાલ ગેટ નજીકના મેદાનમાં પરિવાર સાથે રોકાઈ રહ્યા છે.
ઘણા ભાવિકો પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ પહોંચી ગયા છે અને સાથે લાવેલી સામગ્રીથી જાતે રસોઈ બનાવી રહ્યા છે. પથ્થરો ગોઠવી ચૂલો બનાવી બાજરીના રોટલા, રીંગણાનો ઓળો અને રીંગણા-બટાકાનું શાક તૈયાર કરવામાં આવે છે. યાત્રાળુઓ લોટ, તેલ સહિતની ખાદ્યસામગ્રી ઘરેથી લાવે છે અને માર્ગના પડાવોએ ભોજન બનાવે છે.
સુરતથી આવેલા સોનલબેન ગોગદાણીએ જણાવ્યું કે તેઓ 17 વર્ષથી પરિક્રમામાં આવે છે. આ વખતે તેમના પરિવારના 21 સભ્યો સાથે આવ્યા છે અને પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલાં પહોંચ્યા છે, જેથી પરિવાર સાથે ભોજન કરી શકે. પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢથી આવેલા યાજ્ઞિકકુમાર દુર્ગેશભાઈ ભટ્ટે કહ્યું કે તેઓ 16 વર્ષથી નિયમિત પરિક્રમા કરે છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ દર વર્ષે પાંચ મિત્રો સાથે આવે છે અને પરિક્રમા દરમિયાન જાતે ભોજન બનાવે છે.
સુરક્ષા અને જંગલની સલામતી
પરિક્રમા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અને વન્યજીવોની સુરક્ષા માટે પોલીસ તથા વન વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 450થી વધુ વનકર્મીઓ તૈનાત રહેશે. તંત્રએ યાત્રાળુઓને જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવા અપીલ કરી છે; તેમાં વનસ્પતિમાંથી બનેલી બાયો-પ્લાસ્ટિકની પાણીની બોટલોનો પણ સમાવેશ થાય છે.
પરિક્રમાનો પ્રારંભ સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં વિધિવત પૂજા બાદ થશે. ગેટ ખુલ્યા પછી ભાવિકો ચાર દિવસની યાત્રા શરૂ કરશે. ભવનાથમાં પહેલેથી જ ભેગા થયેલા યાત્રાળુઓના કારણે પરિક્રમા પહેલાં તળેટીમાં યાત્રાનો માહોલ જામ્યો છે.
