ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં લામધાર-વ્યાજપર ફોરલેન રોડના બાયપાસ પર વર્સિંગપુરના વળાંક પાસે બોલેરો કાર પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. કારમાં સવાર અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોડીનાર તરફથી ઉના તરફ આવી રહેલી બોલેરો કારમાં ગોંડલના વતની મનસુખ ખાણિયા, જીગ્નેશ મકવાણા, કુલદીપ ખાણિયા અને ક્રિપાલ ડાભી સવાર હતા. વર્સિંગપુરના વળાંક પાસે તેમની આગળ પથ્થર ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું. આ દરમિયાન બોલેરો કાર ટ્રેક્ટરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો આખો ભાગ ટ્રેક્ટરના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. કારમાં સવાર લોકો અંદર ફસાયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.
કારચાલકનું ઘટનાસ્થળે મોત
અકસ્મતમાં કારચાલક ક્રિપાલ ડાભીને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મનસુખ ખાણિયા, જીગ્નેશ મકવાણા અને કુલદીપ ખાણિયાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેયને સારવાર માટે ઊના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ઊનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઊના પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતની જાણ થતાં ઊના પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. બોલેરો કાર અને પથ્થર ભરેલા ટ્રેક્ટર વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ક્રિપાલ ડાભીના મૃતદેહને જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. એક જ કારમાં મુસાફરી કરી રહેલા ચાર મિત્રોમાંથી એકનું મોત થતાં પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે.
