ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલની સરહદ નજીક આવેલા સણોસરી ગામમાં દીપડાના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. બાળક ગુમ થયા બાદ પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
અહેવાલ મુજબ, સણોસરીમાં પરિવાર સાથે રહેતો ત્રણ વર્ષનો ચેતન બામણીયા અચાનક ગુમ થયો હતો. તપાસ દરમિયાન દીપડો બાળકને ઉઠાવી જંગલ તરફ લઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી ગામની સીમ, કોતર અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.
કલાકોની કામગીરી બાદ બાળકનો મૃતદેહ અવાવરૂ સ્થળેથી મળ્યો હતો. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાથી પરિવારજનોમાં શોક છવાયો છે અને ગામમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
વન વિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવ્યાં
બાળક પર હુમલા બાદ દીપડો ફરી કોઈ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વન વિભાગે વિસ્તારનું સ્કેનિંગ શરૂ કર્યું હતું. ટીમે અલગ-અલગ સ્થળે મારણ સાથે પાંજરા ગોઠવી સતત દેખરેખ રાખી હતી.
કલાકોની જહેમત બાદ દીપડો પાંજરામાં ફસાયો હોવાનું જણાવાયું છે. દીપડો ઝડપાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, બાળકના મોતથી સણોસરી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. દીપડાને પાંજરે પૂર્યા બાદ વન વિભાગ દ્વારા તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
