મોરબી જિલ્લાના ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં નીલગાયનો પીછો કરી તેની પજવણી અને શિકાર કર્યાની ઘટના સામે આવી છે. કાર અને ચાર બાઈકથી નીલગાયને ઘેર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ વન વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં વીડિયો હળવદ તાલુકાના ઘાટીલા નજીકના રણ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.
વન વિભાગે આ કેસમાં માળિયાના રહેવાસી શૌકતઅલી તાજમહંમદ જેડાની ધરપકડ કરી છે. હળવદ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ભરતભાઈ ડાભીના જણાવ્યા મુજબ, આરોપીને પકડવા હળવદ, બજાણા, આડેસર અને ધ્રાંગધ્રા વન વિભાગની પાંચ ટીમો બનાવાઈ હતી. વીડિયોમાં દેખાતી કાળી સ્વિફ્ટ કારને રણ વિસ્તારમાં રોકીને આરોપીને પકડવાનો પ્રયાસ થયો હતો.
વન વિભાગના જણાવ્યા અનુસાર, આરોપી કાર લઈને ભાગવા જતાં તેણે અધિકારીની ગાડીને ટક્કર મારી હતી. બંને વાહનોને નુકસાન થયું હતું. ત્યારબાદ ટીમે તેની ધરપકડ કરી હતી.
અન્ય સંડોવાયેલા લોકોની તપાસ
વન વિભાગે અભયારણ્યમાં ગેરકાયદે પ્રવેશ, વન્યજીવની પજવણી, હથિયાર અને શિકાર સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વીડિયોમાં એકથી વધુ વ્યક્તિઓ નીલગાયને હેરાન કરતા દેખાય છે. પકડાયેલા આરોપીએ નીલગાયના શિકારની કબૂલાત કરી હોવાનું પણ વન વિભાગે જણાવ્યું છે. આ ઘટનામાં બીજા કોણ સંડોવાયેલા છે તેની તપાસ ચાલુ છે.
