ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વોર્ડ-7માં પોસ્ટરો ફાડવાના મામલે રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટરો કોઈ શખસે ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસે રેન્જ IG સમક્ષ રજૂઆત કરી છે.
વોર્ડ-7માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, કોલવડા વિસ્તારમાં લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરોમાંથી ઉમેદવારોના ફોટા ફાડી નાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક સ્થળોએ આખા પોસ્ટરો દૂર કરી દેવાયા હતા.
કોંગ્રેસે કાયદેસરની કાર્યવાહી માગી
પોસ્ટરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની જાણ થતાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને ઉમેદવારો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. પોસ્ટરો ફાડનારા તત્વોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
કોંગ્રેસે આ ઘટનાને ચૂંટણી પ્રચારમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પોસ્ટરો ફાડવા પાછળ ભાજપ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, ભાજપે આ આક્ષેપો નકારી કાઢતાં સમગ્ર મામલાને કોંગ્રેસનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે.
આ મામલે હજુ સુધી પોસ્ટરો ફાડવા બદલ કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ હોવાની માહિતી સામે આવી નથી. રેન્જ IG સમક્ષ રજૂઆત બાદ પોલીસ તપાસ અને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે આગળની કાર્યવાહી થવાની છે.
