ગાંધીનગરના સેક્ટર-26ના કિશાન નગરમાં રહેતા અને અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય ગૌરાંગકુમાર માવજીભાઈ પટેલ સાથે રૂ. 24 લાખની સાયબર ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, 13થી 19 નવેમ્બર, 2026 દરમિયાન ઠગોએ તેમને નાશિક પોલીસ અને સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા હતા. તપાસના નામે દર બે કલાકે પોતાનો ફોટો પાડીને ‘હું સેફ’ લખી મોકલવાનું પણ કહેવામાં આવતું હતું.
13 નવેમ્બરની સવારે અજાણ્યા નંબર પરથી ફોન કરનારે પોતે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયામાંથી બોલતો હોવાનું કહ્યું હતું. તેણે પટેલના આધારકાર્ડનો ઉપયોગ કરીને નાશિકમાં સિમકાર્ડ ખરીદાયું હોવાનો અને તેમાંથી બાળ યૌન શોષણ સંબંધિત વીડિયો તથા હેરાનગતિભર્યા સંદેશા મોકલાયા હોવાનો દાવો કર્યો હતો. નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હોવાની ફરિયાદમાં વિગતો છે.
બનાવટી દસ્તાવેજોથી ઊભો કર્યો તપાસનો ભય
ત્યારબાદ WhatsApp પર ‘IPS NASHIK’ નામે સંદેશ આવ્યો હતો. ફરિયાદ પ્રમાણે, પોલીસના ગણવેશમાં દેખાતા લોકોએ વીડિયો કૉલ કરીને શિક્ષકને કાનૂની કાર્યવાહીનો ભય બતાવ્યો હતો. ઠગોએ બનાવટી FIR અને ધરપકડના હુકમ ઉપરાંત Canara Bankના ડેબિટ કાર્ડનો ફોટો તથા મુંબઈ પોલીસના લેટરહેડ પર PFI સાથે સંડોવણી દર્શાવતો પત્ર મોકલ્યો હતો.
તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે મની લોન્ડરિંગના રૂ. 2 કરોડમાંથી 10 ટકા કમિશન એટલે કે રૂ. 20 લાખ પટેલના ખાતામાં આવ્યા છે. આ રકમ ઓ.એમ. અબ્દુલ સલામ નામના વ્યક્તિએ મોકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ઘરમાં રહેવા અને દર બે કલાકે ફોટો મોકલવા દબાણ કરાયું હોવાની ફરિયાદ છે.
RTGSથી રૂ. 24 લાખ ટ્રાન્સફર
17 નવેમ્બરે ઠગોએ RBIના લોગોવાળો બનાવટી પત્ર મોકલી ખાતાની રકમની ચકાસણી કરવાનું કહ્યું હતું. ફરિયાદ મુજબ, પટેલના Axis Bank ખાતામાંથી Bank of Indiaમાં ‘SAI PLASTIC’ નામે રહેલા ખાતામાં RTGS મારફતે રૂ. 24 લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. પૈસા મળ્યાની ખાતરી આપતી ભારત સરકારના નામની બનાવટી પહોંચ પણ મોકલવામાં આવી હતી.
પટેલ સતત બંધ બારણે ફોન પર વાત કરતા હોવાથી તેમની દીકરી નતાશાને શંકા ગઈ. તેણે પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાની જાણ થઈ. પરિવારે 1930 હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
