ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા 52 વર્ષીય શિક્ષક ગૌરાંગકુમાર માવજીભાઈ પટેલને સાયબર ઠગોએ 13થી 19 નવેમ્બર દરમિયાન સાત દિવસ સુધી ફોન અને વીડિયો કોલ મારફતે દબાણ હેઠળ રાખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ નાશિક પોલીસ અને ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયાના અધિકારી હોવાનો ઢોંગ કરી, તેમના આધારકાર્ડનો ઉપયોગ ગુનામાં થયો હોવાનું કહી ₹24 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ થઈ છે.

પટેલ અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલી જ્યોત કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ અનુસાર, 13 નવેમ્બરે સવારે આશરે 9 વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે પટેલના આધારકાર્ડથી નાશિકમાં સિમકાર્ડ લેવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ બાળ અશ્લીલ વીડિયો તથા હેરાનગતિભર્યા સંદેશા મોકલવામાં થયો છે. નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હોવાનો દાવો કરીને તેમને ડરાવવામાં આવ્યા હતા.

બનાવટી દસ્તાવેજોથી ઊભો કર્યો ભય

ત્યારબાદ ‘IPS NASHIK’ નામે વોટ્સએપ સંદેશ આવ્યો અને પોલીસના ગણવેશમાં દેખાતા લોકોએ વીડિયો કોલ કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઠગોએ બનાવટી FIR, ધરપકડ વોરંટ અને RBIનો લોગો ધરાવતો પત્ર મોકલ્યો હતો. મુંબઈ પોલીસના લેટરહેડ પર PFI સાથે સંડોવણી દર્શાવતો પત્ર તથા કેનેરા બેંકના ડેબિટ કાર્ડનો ફોટો પણ મોકલાયો હતો.

આરોપીઓએ પટેલ પર મની લોન્ડરિંગમાં સંડોવણીનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મુજબ, ઓ.એમ. અબ્દુલ સલામ નામના વ્યક્તિએ ₹2 કરોડમાંથી 10 ટકા કમિશન તરીકે ₹20 લાખ તેમના ખાતામાં મોકલ્યા હોવાનો દાવો કરાયો. તપાસના નામે તેમને ઘરમાં જ રહેવા દબાણ કરાયું હતું અને દર બે કલાકે પોતાનો ફોટો પાડીને ‘હું સલામત છું’ એવો સંદેશ મોકલવાનું કહેવામાં આવતું હતું.

RTGSથી રકમ મોકલાવ્યાની ફરિયાદ

17 નવેમ્બરે બેંક ખાતાની રકમની ચકાસણી કરવાનું કહી ઠગોએ પટેલના Axis Bank ખાતામાંથી Bank of Indiaમાં ‘SAI PLASTIC’ નામે રહેલા ખાતામાં RTGS મારફતે ₹24 લાખ ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પૈસા મળ્યાની ખાતરી આપવા આરોપીઓએ સરકારની બનાવટી પહોંચ પણ મોકલી હતી.

પટેલ સતત બંધ બારણે ફોન પર વાત કરતા હોવાથી તેમની દીકરી નતાશાને શંકા ગઈ. તેણે પૂછપરછ કરતાં પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ. ત્યારબાદ 1930 સાયબર હેલ્પલાઇન પર જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

કેન્દ્ર સરકારની જાહેર ચેતવણીમાં જણાવાયું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓ ફોન કે વીડિયો કોલ દ્વારા તપાસ કરતી નથી; આવા શંકાસ્પદ સંપર્ક અંગે તરત 1930 પર જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.