ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી અને કલોલ પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બે અલગ માર્ગ અકસ્માતમાં બે યુવકોનાં મોત થયાં છે. એક ઘટનામાં બાઇકને અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી, જ્યારે બીજી ઘટનામાં ઘરે સાઇકલ પર જઈ રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. બંને વાહનચાલકો અકસ્માત પછી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સંબંધિત પોલીસ મથકોએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાહપુર બ્રિજ પાસે બાઇકને ટ્રકની ટક્કર

વસ્ત્રાલમાં રહેતા અને ITIમાં અભ્યાસ કરતા ધર્મેન્દ્રસિંહ રાણા, તેમના કૌટુંબિક ભાઈ 21 વર્ષીય ચિરાગ પરમાર અને ભાણેજ કિશનસિંહ વાઘેલા બાઇક પર નારદીપુરમાં ફોઈના ઘરે જઈ રહ્યા હતા. સાંજે તેઓ ગિફ્ટસિટી સર્કલ થઈ શાહપુર સાબરમતી નદીના બ્રિજના છેડે, ધોળાકુવા નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવતા અજાણ્યા ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી.

અકસાનમાં બાઇક ચલાવતા ચિરાગને માથા, કપાળ અને ડાબા પગે ગંભીર ઇજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા. ટ્રકચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કલોલમાં સાઇકલસવારનું મોત

કલોલના કૈલાશ રો-હાઉસમાં રહેતા 32 વર્ષીય કનુ મોહનભાઈ બજાણીયા સ્થાનિક પાર્ટી પ્લોટમાં નોકરી પૂરી કરીને રાત્રે સાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા. વામજ-પિયજ રોડ પર વાળીનાથ મંદિર સામે પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને તેમની સાઇકલને ટક્કર મારી હતી. અકસ્માત પછી વાહનચાલક સ્થળેથી ભાગી ગયો હતો.

રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા કનુને સ્થાનિક લોકો કલોલ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. કલોલ શહેર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બંને કેસમાં વાહનચાલકોની ઓળખ અને અકસ્માતની વિગતો અંગે પોલીસ તપાસ ચાલુ છે.