ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવાર, 11 ઑક્ટોબરે મતદાન શરૂ થયું છે. શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 130 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કુલ 2,59,780 નોંધાયેલા મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી અને પરિણામ 13 ઑક્ટોબરે જાહેર થવાનાં છે.

મતદાન માટે 295 મથકો ગોઠવાયાં છે. મતદારોમાં 1,32,457 પુરુષ, 1,27,314 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે 1,570થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો હોવાની માહિતી છે. દરેક મથક પર પ્રિસાઇડિંગ ઑફિસર સહિત પાંચ સભ્યોની ટીમ ફરજ બજાવી રહી છે.

ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય સ્પર્ધા

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીમાં સ્પર્ધા છે. ભાજપના નેતાઓએ છેલ્લાં 20 વર્ષનાં વિકાસકાર્યોને પ્રચારનો મુદ્દો બનાવ્યો છે. પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી શહેરમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો છે. આ વિકાસકાર્યો મતદારોને પોતાની તરફ ખેંચશે એવો ભાજપનો દાવો છે.

કોંગ્રેસે પર્યાવરણ સહિતના મુદ્દાઓ અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઉઠાવી છે. પક્ષ સત્તા વિરોધી માહોલનો લાભ મળવાની આશા રાખે છે. આમ આદમી પાર્ટી પણ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વોર્ડ નંબર 5માં ભાજપના ચાર, કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે.

ગાંધીનગરનાં ધારાસભ્ય રીટાબેન પટેલે ઢોલ-નગારા સાથે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે ચૂંટણીને લોકશાહીનું પર્વ ગણાવ્યું હતું અને ખાસ કરીને મહિલા તથા પ્રથમવાર મતદાન કરનારા યુવાનોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. મતદાન પૂરું થયા બાદ 13 ઑક્ટોબરે આવનારા પરિણામથી 44 બેઠકો પર કોને બહુમતી મળે છે તે સ્પષ્ટ થશે.