ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનું મેનિફેસ્ટો ‘ગેરંટી કાર્ડ’ તરીકે જાહેર કર્યું છે. પક્ષે નાગરિકોને કરવેરામાં રાહત, પાણી અને ગટર વ્યવસ્થામાં સુધારો, સફાઈ-આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવી તથા પારદર્શક વહીવટ આપવાના વચનો આપ્યાં છે.
કરવેરામાં રાહત અને વેપારીઓ માટે લાયસન્સ
કોંગ્રેસના મેનિફેસ્ટો મુજબ ઘરવેરામાં 25 ટકા અને વાણિજ્ય વેરામાં 10 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોનો કાયદેસર સર્વે કરીને તેમને અધિકૃત લાયસન્સ આપવાનું પણ વચન આપ્યું છે.
કોન્ટ્રાક્ટ પ્રથા સામે વચન
કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ પોતાના કોર્પોરેટરો અથવા તેમના તરફથી કોઈ કોન્ટ્રાક્ટ કે પેટા કોન્ટ્રાક્ટ નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરી છે. પક્ષે આ વચનને ભાઈ-ભત્રીજાવાદ અને હિતોના ટકરાવને અટકાવવાના પ્રયાસ તરીકે રજૂ કર્યું છે. જાહેર નાણાંનો ઉપયોગ બિનજરૂરી દેખાડા કે તાયફાઓમાં નહીં થાય તેવી વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.
પાણી, ગટર, સફાઈ અને આરોગ્ય પર ભાર
મેનિફેસ્ટોમાં ગાંધીનગરમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા તથા ગટર વ્યવસ્થાની સમસ્યાઓનું લાંબા ગાળાનું નિરાકરણ લાવવાની વાત છે. શહેરની સફાઈ વ્યવસ્થા સુધારવા અને આરોગ્ય માળખાને વધુ અસરકારક બનાવવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે. પરિવહન વ્યવસ્થામાં સુધારા સાથે નાગરિકોને વધુ સારી જાહેર સેવાઓ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન અને 13 ઓક્ટોબર, 2026ના રોજ મતગણતરી યોજાવાની છે. નવી સીમાંકન પ્રક્રિયા બાદ મનપામાં 11 વોર્ડ અને કુલ 44 બેઠકો છે.
