ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં બે મતદારોનાં નામ ગુજરાતી લિપિની બદલે અન્ય લિપિમાં દર્શાવાયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ વિસંગતિ વોર્ડ નંબર 8ના વિભાગ નંબર 6/36માં જોવા મળી છે.
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ ટી. સોનીના જણાવ્યા મુજબ, મતદાર યાદીમાં મતદાર ક્રમાંક 717 અને 718નાં નામ દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં છપાયેલાં છે. આ બંને નામ જે પાનામાં છે, તેમાં બાકીની વિગતો ગુજરાતી લિપિમાં દર્શાવવામાં આવી છે. તેથી એક જ પાનામાં માત્ર બે મતદારોનાં નામ અલગ લિપિમાં કેવી રીતે નોંધાયાં તે અંગે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે.
કોંગ્રેસનું કહેવું છે કે આ બાબતને માત્ર ટાઇપિંગની સામાન્ય ભૂલ ગણીને અવગણી શકાય નહીં. મતદાર યાદી ચૂંટણી પ્રક્રિયાનો આધાર હોવાથી યાદી તૈયાર થયા બાદ તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
સમગ્ર મતદાર યાદીની ચકાસણીની માગ
રાજેશ ટી. સોનીએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે હાલ એક જ કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, પરંતુ સમગ્ર મતદાર યાદીમાં આવી બીજી કોઈ વિસંગતિ છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. અન્ય મતદાર યાદીઓની ચકાસણી હજુ બાકી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ સંબંધિત બંને મતદારોની મૂળ નોંધ સાથે વિગતો મેળવી ચકાસવાની અને જરૂરી સુધારો કરવાની માગ કરી છે. સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર મતદાર યાદીનું પુનઃવેરિફિકેશન કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, મતદાર યાદીની ચોકસાઈ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે જરૂરી છે. તેથી આ વિસંગતિ અંગે ચૂંટણી તંત્ર તપાસ કરીને જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર તરફથી આ આક્ષેપ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા ઉપલબ્ધ નથી.
