ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ગાંધીનગરમાં પક્ષના સંગઠન પદાધિકારીઓ, કાઉન્સિલરો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કુડાસણની એક ખાનગી હોટલમાં વોર્ડ નંબર 1થી 6ના સંગઠન પદાધિકારીઓ, કાઉન્સિલરો અને મુખ્ય આગેવાનો સાથે પ્રથમ તબક્કાની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ વોર્ડ નંબર 7થી 11ના આગેવાનો સાથે અલગ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. FIA ભવન ખાતે 11 વોર્ડના સંગઠન પદાધિકારીઓ સાથે સંયુક્ત બેઠકમાં સ્થાનિક સ્તરની સ્થિતિ અને મતદારોના મિજાજ અંગે ચર્ચા થઈ હતી.
કમલમ ખાતે ચૂંટણી વ્યવસ્થાપન પર ચર્ચા
ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય ‘અટલ કમલમ’ ખાતે ચૂંટણી વ્યવસ્થાપન ટીમ સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ચૂંટણી ઢંઢેરો, બૂથ મેનેજમેન્ટ, ઘર-ઘર પ્રચાર અને સોશિયલ મીડિયા અભિયાન જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. વિપક્ષના આક્ષેપોનો રાજકીય જવાબ આપવા માટેની રણનીતિ અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સંગઠનમાં કોઈ જૂથવાદ અથવા નારાજગી હોય તો તેને સમયસર દૂર કરવા અંગે પણ પક્ષના પ્રભારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. વોર્ડવાર માઇક્રો પ્લાનિંગ દ્વારા સંગઠનનું નેટવર્ક વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
11 ઓક્ટોબરે મતદાન
રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરીની જાહેરાત કરી છે. ગાંધીનગર મનપામાં 11 વોર્ડ હેઠળ કુલ 44 કોર્પોરેટર બેઠકો છે. 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. ત્યારબાદ કોંગ્રેસના બંને કાઉન્સિલરો ભાજપમાં જોડાતા મનપામાં ભાજપનું સંખ્યાબળ 43 થયું હતું.
તરુણ ચુગના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન ગાંધીનગર ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના સંગઠન પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, મોરચાના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજાવાની છે.
