ગાંધીનગરના ટાઉનહોલમાં 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો. રાજ્યના ખાદી ગ્રામોદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું. પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર આશરે 20 આદિવાસી યુવક-યુવતીઓનું સન્માન કરાયું.
કેન્દ્ર સરકારે 2021થી દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ બિરસા મુંડાની જન્મજયંતિ છે. 2026માં તેમની 151મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમો યોજાયા. બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ઉલીહાતુ ગામમાં થયો હતો. તેમણે બ્રિટિશ શાસન સામે ‘ઉલગુલાન’ નામે ઓળખાયેલા આદિવાસી વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું અને જળ, જમીન તથા જંગલના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો.
આદિવાસી નેતાઓના યોગદાનને યાદ કરાયું
કાર્યક્રમમાં સંબોધન કરતાં સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે બિરસા મુંડાનો સંઘર્ષ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયના યોગદાનની ચર્ચા કરતાં ગોવિંદગુરુ અને ભગત ચળવળ, વિજયનગરના દઢવાવમાં મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ થયેલો સંઘર્ષ, પંચમહાલની નાયકા ચળવળ, જંબુઘોડાના રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરનો ઉલ્લેખ કર્યો હતો. ડાંગના ભીલ રાજાઓના બલિદાનને પણ તેમણે યાદ કર્યું.
મંત્રીના જણાવ્યા અનુસાર, જન ધન યોજના, ગોબર ધન, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન, પીએમ આવાસ યોજના અને ઉજ્જ્વલા ગેસ કનેક્શન સહિતની યોજનાઓથી વંચિત વર્ગોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે. તેમણે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને આદિજાતિ સંશોધન કેન્દ્રોનો પણ ઉલ્લેખ કર્યો. રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત આચરણને તેમણે બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ ગણાવ્યું.
આહવા, ડાંગના ડૉ. જિતેન્દ્ર ગવળી અને શિવાની સુવેરાએ સરકારી સહાયથી શિક્ષણ મેળવવાના પોતાના અનુભવો રજૂ કર્યા. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર આધારિત ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરાયાં.
