ગાંધીનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કરના જાહેરનામા મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર અને સમગ્ર જિલ્લામાં 7 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વિવિધ નિયંત્રણો અમલમાં રહેશે.
જાહેરનામા હેઠળ એકસાથે ચારથી વધુ લોકો ભેગા થવા, કોઈપણ પ્રકારની મંડળી રચવા અને સત્તાવાર મંજૂરી વિના રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર અથવા જાહેર પ્રદર્શન દરમિયાન તલવાર, ધોકા, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્ય મારક સાધનો સાથે ફરવાની પણ મનાઈ રહેશે. પથ્થરો, ફેંકી શકાય તેવી વસ્તુઓ અથવા તેને ફેંકવા માટેનાં સાધનો સાથે રાખવા પર પણ રોક લગાવવામાં આવી છે.
ઉશ્કેરણીજનક પ્રચાર અને પ્રદર્શન સામે કાર્યવાહી
પ્રતિબંધોમાં માનવ આકૃતિઓ અથવા પૂતળાં દર્શાવવા કે બાળવા, વિરોધીઓને અપમાનિત કરતા બીભત્સ સૂત્રો પોકારવા અને અશ્લીલ ગીતો ગાવા સામેની જોગવાઈઓનો સમાવેશ થાય છે. જનમાનસમાં ઉત્તેજના ફેલાવે, રાજ્યની સલામતીને જોખમમાં મૂકે અથવા ચૂંટણી પ્રક્રિયાની શાંતિપૂર્ણ કામગીરીમાં ખલેલ પહોંચાડે તેવા ઉશ્કેરણીજનક ભાષણો, ચાળા, ચિત્રો અને પ્રતીકોના પ્રદર્શન સામે પણ તંત્રે ચેતવણી આપી છે.
આ વિસ્તારો અને પ્રસંગોને મળશે છૂટ
લોકશાહી પ્રક્રિયા અને આવશ્યક સરકારી કામગીરીને અસર ન થાય તે માટે કેટલાક વિસ્તારો અને કાર્યક્રમોને પ્રતિબંધોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. સેક્ટર-6ના અંદરના ભાગમાં ઉપવાસીઓ માટે નિર્ધારિત વિસ્તાર, મહાત્મા મંદિર ખાતેના સરકારી તથા નિર્ધારિત કાર્યક્રમો, ટાઉન હોલ, સ્ટાફ ટ્રેનિંગ કોલેજ અને સર્કિટ હાઉસ વિસ્તાર આ હુકમથી મુક્ત રહેશે.
ચૂંટણી અને કાયદો-વ્યવસ્થાની ફરજ પર રહેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તથા હોમગાર્ડ જવાનોને પણ છૂટ આપવામાં આવી છે. લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, પરંપરાગત ધાર્મિક વિધિઓ અને મરણોત્તર ક્રિયાઓને પણ આ નિયંત્રણોમાંથી મુક્ત રાખવામાં આવી છે. સંબંધિત મામલતદાર અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી પોલીસ અભિપ્રાય બાદ નિયમસર મંજૂરી મેળવેલા વિશેષ કાર્યક્રમો પણ યોજી શકાશે.
ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સરકારી કામકાજ માટે જતા આવશ્યક વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે. શારીરિક અશક્તતાને કારણે સક્ષમ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી ધરાવતા લોકો લાકડી અથવા સોટી સાથે રાખી શકશે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ અથવા રાજકીય સમર્થક સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી યોજાવાની છે.
