ગાંધીનગરના આદરજથી પુન્દ્રસણ ચોકડી તરફ જતા કાચી કેનાલ રોડ પર કાર અકસ્માતમાં બે યુવકનાં મોત થયાં છે, જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રોને ઈજા થઈ છે. આ ઘટના 23 ઑક્ટોબરની રાત્રે આશરે 11:30 વાગ્યે બની હતી. અકસ્માતમાં કાર કેનાલ રોડની દીવાલ સાથે અથડાઈ હતી. પેથાપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરઢવ ગામના ધર્મ મહેન્દ્રભાઈ પટેલ અને તેના મિત્રો કિયા કારમાં સરઢવથી કુડાસણ તરફ નીકળ્યા હતા. કારમાં હેત બાળાકૃષ્ણ પટેલ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. ધર્મ ઉપરાંત યશ દીપકભાઈ પટેલ અને દીપ વાડીભાઈ પટેલ પણ કારમાં સવાર હતા. તેઓ યશને તેના ઘરે મૂકવા જઈ રહ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આદરજથી પુન્દ્રસણ ચોકડી તરફના કાચી કેનાલ રોડ પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર દીવાલ સાથે અથડાઈ. અકસ્માતમાં દીપને કમર સહિત શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.
યશને પેટ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતાં વૈષ્ણવદેવી સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું. કારચાલક હેત અને ધર્મને પણ ઈજા થઈ હતી. બંનેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સેક્ટર-6ની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
મૃતક ધર્મના પિતા મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હેત બાળાકૃષ્ણ પટેલ સામે ગુનો નોંધાયો છે. અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસની તપાસ ચાલુ છે.
