કચ્છના ગાંધીધામમાં ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ લગાવેલા ‘વોટચોરી’ના આરોપ અંગે સવાલ પૂછવામાં આવતાં સરમાએ તેમને ‘પાગલ’ ગણાવ્યા હતા.

સરમાએ કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને ‘આખો પાગલ’ માને છે. તેમણે રાહુલ ગાંધીના દેખાવમાં થતા ફેરફારો અને તેમના દેશ-વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરીને તેમના પર ટિપ્પણી કરી હતી. આ પહેલાં પણ સરમા રાહુલ ગાંધી અંગે આવી જ કડક ભાષામાં નિવેદન આપી ચૂક્યા છે.

મનુસ્મૃતિ મુદ્દે અગાઉ પણ ટિપ્પણી

અહેવાલ મુજબ, ગયા મહિને ‘મનુસ્મૃતિ’ અંગે રાહુલ ગાંધીની ટીકા બાદ પણ આસામના મુખ્યમંત્રીએ તેમના પર પ્રહાર કર્યા હતા. સરમાએ રાહુલ ગાંધી પર હિંદુ ધર્મને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને લિંગ સમાનતાના મુદ્દે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાનો પડકાર આપ્યો હતો.

કંડલામાં ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન

ગાંધીધામના ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની હાજરીમાં કંડલા ખાતે બનનારા ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્લાન્ટમાં દરરોજ 150 ટન ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન કરવાની ક્ષમતા રહેશે. અંદાજે રૂ. 2,300 કરોડના મૂડીરોકાણવાળા આ પ્રોજેક્ટથી દરિયાઈ શિપિંગ ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3,500થી વધુ રોજગારીની તકો ઊભી થવાની માહિતી આપવામાં આવી છે.