બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામે યુવતી સાથે ફોન પર વાતચીત કરવાની શંકામાં બે ભાઈઓ પર છરી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં બંને ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાવાયું છે.

ફરિયાદ મુજબ, પડવદર ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા 25 વર્ષીય હાદકભાઈ શૈલેષભાઈ બારૈયા 1 ઓક્ટોબરની રાત્રે પોતાના કુટુંબી ભાઈ સાથે મોટરસાયકલ પર મોટી કુંડળ તરફ જઈ રહ્યા હતા. સોલાર પ્લાન્ટ નજીક એક વાહનમાં આવેલા શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા હતા.

આરોપ છે કે વિશાલ મશરૃભાઈ સાનીયાએ છરી બતાવી હાદકભાઈનો મોબાઈલ લઈ લીધો હતો અને તેમાં તપાસ કરી હતી. ત્યારબાદ બોલાચાલી થતાં અન્ય શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, વિશાલ સાનીયા, વિરમ સાનીયા, નિકુંજ સાનીયા, સંજય સાનીયા, વાઘજી સાનીયા અને કાળુ સાનીયાએ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે બંને ભાઈઓને માર માર્યો હતો.

બંને ભાઈઓને હોસ્પિટલમાં ખસેડાયા

હુમલામાં હાદકભાઈ તેમજ તેમના મોટા ભાઈ સાગરભાઈને ઈજા થઈ હતી. બંનેને પ્રથમ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે હાદકભાઈ બારૈયાની ફરિયાદના આધારે ગઢડા પોલીસે છ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.