કરજણ અને સુરતમાં દવાઓના ગેરકાયદે સંગ્રહ તથા વેચાણ સામે FDCA, ગુજરાત પોલીસ અને NCBએ સંયુક્ત કાર્યવાહી કરી છે. ચાર પેઢીઓ સામે પગલાં લેવાયાં છે અને અંદાજે ₹42.6 લાખનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે. કરજણની બે પેઢીના દવા વેચાણના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

કરજણમાં કફ સિરપ અને ટેબ્લેટનો જથ્થો

મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે કરજણની મેસર્સ ચામુંડા ફાર્મા પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં NDPS એક્ટ હેઠળ આવતી ANREX (Codeine) કફ સિરપની 13,938 બોટલ મળી હતી. તેની કિંમત અંદાજે ₹27.8 લાખ જણાવાઈ છે. સાથે TRAMADOLની 12,240 ટેબ્લેટ પણ મળી આવી હતી. કુલ આશરે ₹28.3 લાખનો જથ્થો જપ્ત કરીને પેઢીને સીલ કરવામાં આવી હતી. ગંભીર કાયદાકીય ભંગ બદલ 20-B અને 21-B દવા વેચાણના પરવાના 1 ઓક્ટોબરથી કાયમી ધોરણે રદ કરાયા છે.

ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણની મેસર્સ માજીસામેડિકલ સ્ટોર્સની તપાસમાં NDPS ઘટક ધરાવતી LOMOTIL ટેબ્લેટ મળી હતી. સ્થળે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર ન હોવા ઉપરાંત દવાઓ યોગ્ય તાપમાને રાખવા માટેનું ફ્રિજ બંધ હોવાનું પણ જણાયું હતું. કારણદર્શક નોટિસ આપ્યા બાદ પેઢીના છૂટક દવા વેચાણના પરવાના 5 ઓક્ટોબરથી કાયમી ધોરણે રદ કરાયા છે.

સુરતમાં ઓનલાઇન વેચાણની તપાસ

સુરતના વરાછામાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા પર 1 ઓક્ટોબરે દરોડો પડ્યો હતો. માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં પેઢી પોતાની વેબસાઇટ મારફતે દવાઓ વેચતી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. સ્થળેથી Sildenafil, Minoxidil અને Ketoconazoleનો ₹11.26 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. નમૂના પરીક્ષણ માટે સરકારી FDL, વડોદરા મોકલાયા છે; રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી થશે.

મોટા વરાછાની મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ સામે 3 ઓક્ટોબરે તપાસ થઈ હતી. Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ નામે એલોપેથિક દવાઓ વેચાતી હોવાના ડિજિટલ પુરાવા મળ્યા હતા. એક મહિનામાં આશરે ₹3.60 લાખની દવાઓનું વેચાણ થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ જ વ્યક્તિ સામે અગાઉ લાઇસન્સ વગર દવાનો સંગ્રહ કરવા બદલ કાર્યવાહી થઈ હોવાથી કેસમાં Drugs and Cosmetics Act, 1940 હેઠળ પગલાં લેવાઈ રહ્યાં છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા અનુસાર, સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ ઓનલાઇન દવા વેચાણ પર ડિજિટલ નજર રાખશે. કોડીનયુક્ત કફ સિરપ સહિતની દવાઓના નશા તરીકે થતા દુરુપયોગને અટકાવવા અધિકારીઓને માઇક્રો પ્લાનિંગ અને જાગૃતિનાં પગલાં લેવાની સૂચના પણ અપાઈ છે.