સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઇવે પર હરિપર ગામ નજીક પોલીસે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની ટીમે હાઇવે પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ડમ્પર અને એક ટ્રકને અટકાવી તપાસ કરી હતી. પોલીસની તપાસમાં ડમ્પરમાં કોઈ કાયદેસર પાસ-પરમિટ વિના રેતીનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. ટ્રકની તપાસ દરમિયાન તેમાં પણ બિનઅધિકૃત રીતે વહન કરાતા પથ્થરો મળી આવ્યા હતા.
બે વાહનો સીઝ કરીને પ્રાથમિક તપાસ શરૂ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રેતી ભરેલા ડમ્પર અને પથ્થર ભરેલી ટ્રકનો કબજો મેળવી બંને વાહનોને સીઝ કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાહનોના દસ્તાવેજો, ખનીજના જથ્થા અને વહન સંબંધિત પરવાનગીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે બંને વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગરના ખાણ અને ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે. હવે ખનીજ વિભાગ દ્વારા નિયમ મુજબ દંડ વસૂલાત અને અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હાઇવે પર ચેકિંગ ચાલુ રાખવાની તૈયારી
ધ્રાંગધ્રા તાલુકા પોલીસની આ કાર્યવાહી ગેરકાયદે ખનન અને ખનીજ વહન સામેના ચેકિંગના ભાગરૂપે કરવામાં આવી છે. પોલીસે આગામી દિવસોમાં પણ હાઇવે અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.
ગેરકાયદે ખનન અથવા ખનીજ વહન સામેની કાર્યવાહી અંગે અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા વાહનો જપ્ત કરીને દંડાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
