સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગોપાલગઢ ગામ નજીક વાઘગઢ-રણમલપુર રોડ પર કરવામાં આવી હતી.
પોલીસ ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારચાલકે પોલીસની ગાડીને ટક્કર મારી સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કારને ઝડપી લીધી હતી.
તપાસ દરમિયાન કારમાંથી 186 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેની કિંમત રૂ.3,17,065 હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત રૂ.14,400ની કિંમતની 144 બોટલ બિયર પણ મળી આવી હતી. દારૂ અને બિયર સહિતની જપ્ત સામગ્રીની કુલ કિંમત રૂ.3.31 લાખ હોવાનું જણાવાયું છે.
પોલીસે કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.13.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના હિતેશ બંધારણ ઇરામ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ
પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહી છે.
