કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય નગર ધોળાવીરાને દેશના અતિ મહત્વના સ્મારકોમાં શ્રેણી ‘ક’ એટલે કે Category-Aનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂકાયો છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 8 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા ડ્રાફ્ટ ગેઝેટમાં ધોળાવીરાનો સમાવેશ દેશના 30 અતિ મહત્વના સ્મારકોની યાદીમાં કરવામાં આવ્યો છે.

ડ્રાફ્ટમાં ધોળાવીરાને પ્રાચીન સ્થળ કોટડા તરીકે નોંધવામાં આવ્યું છે. Category-A યાદીમાં તાજમહેલ, લાલ કિલ્લો અને હમ્પી જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી પાવાગઢ ચંપાનેર અને રાણી-કી-વાવને પણ આ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતના આઠ સ્મારકોનો સમાવેશ

ડ્રાફ્ટ ગેઝેટની બીજી અનુસૂચિમાં ગુજરાતના કુલ આઠ સ્મારકોનો ઉલ્લેખ છે. Category-Aમાં પાવાગઢ ચંપાનેર સ્મારક, રાણી-કી-વાવ અને ધોળાવીરા સામેલ છે.

Category-Bમાં મોઢેરા સૂર્ય મંદિર, જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ, અશોકના શિલાલેખ, ખાપરા કોડિયા ગુફાઓ અને ગાંધીનગરની અડાલજ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા નિયમો હેઠળ દેશના સંરક્ષિત સ્મારકોને બે શ્રેણીમાં વહેંચવાની દરખાસ્ત છે. ભાગ-1માં Category-A હેઠળ 30 સ્મારકો અને ભાગ-2માં Category-B હેઠળ 136 સ્મારકો રાખવામાં આવ્યા છે.

45 દિવસ સુધી વાંધા-સૂચનોની પ્રક્રિયા

આ ગેઝેટ હાલમાં ડ્રાફ્ટ સ્વરૂપે છે. સત્તાવાર ગેઝેટમાં પ્રકાશન પછી 45 દિવસ સુધી નાગરિકો અને અસરગ્રસ્ત લોકો પોતાના વાંધા કે સૂચનો ASIના મહાનિર્દેશક, નવી દિલ્હી સમક્ષ મોકલી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

બાંધકામ અને પ્રવાસન વ્યવસ્થામાં કડકાઈ

પ્રસ્તાવિત નિયમો અમલમાં આવ્યા બાદ ધોળાવીરા સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવું બાંધકામ અથવા ખનન કરી શકાશે નહીં. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ કે સમારકામ માટે કેન્દ્ર સરકાર અને ASIની પૂર્વ મંજૂરી તથા લાઇસન્સ જરૂરી રહેશે.

સ્મારક પરિસરમાં કેન્દ્ર સરકારની લેખિત મંજૂરી વિના સભા, પાર્ટી અથવા અન્ય કાર્યક્રમ યોજી શકાશે નહીં. સ્મારકને નુકસાન પહોંચાડવું, ખોરાક બનાવવો, વેચાણ કે જાહેરાત કરવી, કચરો નાખવો તેમજ વાહનો અથવા પ્રાણીઓને અનિયંત્રિત રીતે લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે.

વ્યાવસાયિક ફિલ્મિંગ અથવા શૂટિંગ માટે ASIના મહાનિર્દેશકની પૂર્વ મંજૂરી, નિયત ફી અને લાઇસન્સ લેવું પડશે. પ્રવેશ ફી અને પ્રવાસી સુવિધાઓનું સંચાલન પણ Category-A સ્મારકો માટેના સુધારેલા ધોરણો મુજબ કરવાની દરખાસ્ત છે.