કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય સ્થળ ધોળાવીરાને દેશના અતિમહત્વના સ્મારકોની ‘કેટેગરી-A’ યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે 8 સપ્ટેમ્બર 2026ના રોજ ‘Ancient Monuments and Archaeological Sites and Remains (Amendment) Rules, 2026’નો ડ્રાફ્ટ ગેઝેટ જાહેર કર્યો છે.

ડ્રાફ્ટમાં ધોળાવીરાને સત્તાવાર રીતે ‘Ancient Site Kotada, (Dholavira)’ તરીકે કચ્છ જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ હજી અંતિમ નિયમ નથી. ગેઝેટમાં સૂચવાયેલા નિયમો અંતિમ પ્રકાશનના દિવસે અમલમાં આવશે.

45 દિવસમાં વાંધા-સૂચનોની તક

ડ્રાફ્ટ ગેઝેટ જાહેર થયા બાદ 45 દિવસ સુધી અસરગ્રસ્ત લોકો અને નાગરિકો પોતાના વાંધા કે સૂચનો ASIના ડાયરેક્ટર જનરલને મોકલી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેન્દ્ર સરકાર ડ્રાફ્ટ પર વિચાર કરીને અંતિમ નિયમો જાહેર કરશે. પ્રસ્તાવિત સુધારા હેઠળ 1959ના નિયમોની બીજી અનુસૂચિમાં ફેરફાર કરવાની જોગવાઈ છે.

નવી અનુસૂચિમાં કુલ 30 સ્મારકોને Category-A અને 136 સ્મારકોને Category-Bમાં વહેંચવાનો પ્રસ્તાવ છે. Category-A યાદીમાં તાજમહેલ, લાલ કિલ્લો, હમ્પી, રાણી-કી-વાવ, પાવાગઢ-ચાંપાનેર અને ધોળાવીરા જેવા સ્મારકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી પાટણની રાણી-કી-વાવ અને પંચમહાલના પાવાગઢ-ચાંપાનેરને પણ આ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ધોળાવીરા વિસ્તારમાં શું બદલાઈ શકે?

પ્રસ્તાવિત વર્ગીકરણ અંતિમ સ્વરૂપે અમલમાં આવે તો સ્મારકના પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ અને ખનન પર નિયંત્રણ વધુ સ્પષ્ટ બનશે. નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ, સમારકામ અથવા અન્ય કામ માટે જરૂરી મંજૂરી અને લાયસન્સ લેવાની પ્રક્રિયા લાગુ પડશે.

સ્મારક પરિસરમાં કેન્દ્ર સરકારની લેખિત મંજૂરી વિના સભા, પાર્ટી અથવા કાર્યક્રમ યોજી શકાશે નહીં. સ્મારકને નુકસાન પહોંચાડવું, પરિસરમાં ખોરાક બનાવવો, વેચાણ કે જાહેરાત કરવી, કચરો નાખવો તેમજ વાહનો અથવા પ્રાણીઓને અનિયંત્રિત રીતે લઈ જવા પર પણ નિયંત્રણ રહેશે. વ્યવસાયિક ફિલ્મિંગ અથવા શૂટિંગ માટે ASIના મહાનિર્દેશકની પૂર્વ મંજૂરી, લાયસન્સ અને નિર્ધારિત ફી જરૂરી રહેશે.

ધોળાવીરાનું નામ અગાઉથી જ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પુરાતત્ત્વીય સ્થળ તરીકે નોંધાયેલું છે. 2026ના ડ્રાફ્ટમાં તેને Category-Aની પ્રસ્તાવિત યાદીમાં મૂકવાથી હવે તેની કાનૂની શ્રેણી અંગેની પ્રક્રિયા અંતિમ ગેઝેટ પ્રકાશન પછી નક્કી થશે.